Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મ્યુચ્યુઅલ ફન્ડની એસેટ્સમાં નાના શહેરોનો હિસ્સો ૪૬ ટકા વધીને ૪.૧ લાખ કરોડ થયો

મુંબઇ તા.૧૬: અસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્ડસ્ટ્રીઝ (AMFI-એમ્ફી)એ ચલાવેલી પ્રમોશન ઝુંબેશને પગલે દેશના નાના ટાઉન્સનો હિસ્સો મ્યુચ્યુઅલ ફન્ડ્સની એસેટ્સમાં ૪૬ ટકા વધીને ૪.૧ લાખ કરોડ થયો છે.

ટોપ ૧૫ (T15) શહેરો સિવાયનાં B-15 લોકેશન્સ એટલે કે નાના શહેરોનો મ્યુચ્યુઅલ ફન્ડ્સની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM)માં હિસ્સો નવેમ્બર ૨૦૧૬ના ૨.૮૧ લાખ કરોડથી વધીને નવેમ્બર ૨૦૧૭ના અંતે ૪.૧ લાખ કરોડ થયો છે એમ એમ્ફીએ બહાર પાડેલા તાજા અહેવાલમાં જણાવ્યું હતું.

મ્યુચ્યુઅલ ફન્ડ્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા સાતત્યપૂર્ણ વળતર, પ્રુડન્ટ રિસ્ક મેનેજમેન્ટ અને રોકાણકાર જાગૃતિમાં થયેલા વધારાને કારણે આટલી સારી વૃદ્ધિ થઇ છે એમ કોટક મ્યુચ્યુઅલ ફન્ડના ચીફ ઇન્ફર્મેશન ઓફિસર ઇકિવટી હર્ષા ઉપાધ્યાયે કહ્યું હતું.

અસરકારક પરિબળો

કેટલાંક પરિબળો જેવા કે નોટબંધી, પંરપરાગત ખાતરીબંધ વળતર આપતી પ્રોડકટ્સ જેવી કે ફિકસ્ડ ડિપોઝિટ્સ પરના વળતરમાં થયેલા ઘટાડા, ફિઝિકલ સેવિંગ્સને બદલે ફાઇનેન્શિયલ સેવિંગ્સની અને એમ્ફીની મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ ઝુંબેશને પગલે એસેટ બેઝમાં વધારો થયો છે એમ કોટક મ્યુચ્યુઅલ ફન્ડના મેનેજર અંશુલ સૈગલે કહ્યુ હતુ.

શહેરોનો હિસ્સો

અત્યારે ઉદ્યોગની કુલ એસેટ્સમાં ૧૮ ટકા હિસ્સો B-15 શહેરોનો શહેરોનો છે. B-15 શહેરોની આશરે ૫૮ ટકા એસેટ્સ ઇકિવટીમાં, જયારે T15 શહેરોનો શહેરોનો ૩૪ ટકા હિસ્સો રહ્યો છે.

T15 શહેરોમાં ન્યુ દિલ્હી (NCR સહિત), મુંબઇ (થાણે અને નવી મુંબઇ સહિત), કલકત્તા, ચેન્નઇ,બેન્ગલોર, અમદાવાદ, વડોદરા, ચંડીગઢ, હૈદરાબાદ, જયપુર,કાનપુર,લખનઉ,પણજી,પુણે અને સુરતનો સમાવેશ છે. એ સિવાયના શહેરો B-15 શહેરો છે.

સીધુ રોકાણ

આશરે ૯ ટકા રીટેલ રોકાણકારોએ સીધું રોકાણ કરવાનું પસંદ કર્યુ હતું. જ્યારે HNI એસેટ્સના ૧૭.૭ ટકાનું રોકાણ સીધું કરવામાં આવ્યું હતું. મ્યુચ્યુઅલ ફન્ડની ૪૧.૭ ટકા એસેટ્સ સીધા રોકાણ દ્વારા આવી હતી. સીધા મુડીરોકાણનો મોટો હિસ્સો ઇકિવટી સિવાયની સ્કીમ્સમાં આવ્યો હતો, જેમાં સંસ્થાકીય રોકાણકારોનું વર્ચસ છે એમ એમ્ફીએ નોંધ્યું હતું.

(1:00 pm IST)