Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વાહ ભૈ વાહ...બધા માટે હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમ લાવશે સરકાર

બજેટમાં જાહેરાતની સંભાવનાઃ હેલ્થ ઇન્સ્યુરન્સ કવર ૩ થી પ લાખ રૂપિયા સુધીનું રહેશેઃ પ૦૦૦ કરોડનું બજેટ ફાળવાશેઃ કુલ ખર્ચના ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાજય વહન કરશેઃ ત્રણ પ્રકારની કલ્યાણ, સૌભાગ્ય અને સર્વોદય સ્કીમ હશે

નવી દિલ્હી તા.૧૬ : મોદી સરકાર ૧લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરનાર છે જે વર્તમાન સરકારનું અંતિમ પુર્ણ બજેટ હશે. જેમાં દેશના દરેક નાગરિકને હેલ્થ ઇન્સ્યુરન્સ આપવાની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે એટલે કે દરેક વ્યકિતને હેલ્થ ઇન્સ્યુરન્સ આપવામાં આવશે કે જેથી કોઇપણ પ્રકારની બીમારી થવા પર તેને ઇલાજ કરાવવામાં મુશ્કેલી ન પડે. આ હેલ્થ ઇન્સ્યુરન્સ કવર ૩ થી પ લાખ રૂપિયા સુધીનો હોય શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌને હેલ્થ ઇન્સ્યુરન્સ આપવા માટે પ૦૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ ખાનગી વિમા કંપનીઓને મોટી ભુમિકા મળી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટ બનાવી સ્વાસ્થ્ય વિમો આપવા પણ વિચાર થઇ શકે છે. હેલ્થ ઇન્સ્યુરન્સ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હેઠળ આપવામાં આવશે જેમાં કુલ ખર્ચના ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાજય સહન કરશે.સુત્રોનુ કહેવુ છે કે, હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમ ત્રણ પ્રકારની રહેશે. પ્રથમ સ્કીમમાં ગરીબી રેખા નીચે રહેતા લોકોને વિમાનુ કવચ અપાશે. તેને કલ્યાણ સ્કીમનું નામ અપાશે. બીજી સ્કીમ ર લાખ રૂપિયા સુધીની આવકવાળા માટે હશે અને જેનુ સૌભાગ્ય સ્કીમ હશે. જયારે ર લાખથી વધુ આવકવાળા વર્ગો માટે સર્વોદય સ્કીમ લાવવામાં આવશે. ગરીબી રેખા નીચે રહેતા લોકો અને ર લાખથી ઓછી આવકવાળાનું પ્રિમિયમ સરકાર ભરશે. જયારે વધુ આવકવાળા પાસેથી હેલ્થ ઇન્સ્યુરન્સ માટે પ્રિમિયમ લેવામાં આવશે અને જે મામુલી હશે. નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે આંતરીક સર્વેમાં જણાયુ છે કે દેશના ૭૦ ટકા લોકો પાસે હેલ્થ ઇન્સ્યુરન્સ કવર નથી. આ જ કારણે બીમાર થવા પર તેઓની પાસે ઇલાજ માટે પૈસા નથી હોતા. આને ધ્યાનમાં રાખીને દરેક નાગરીકને હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમના દાયરામાં લેવાનો નિર્ણય લેવાયો છે. (૩-પ)

(11:54 am IST)