Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

એર ઇન્ડિયાના વિમાનમાં ઇકોનોમી કલાસમાં એક હરોળ મહિલાઓ માટે અનામત રખાશે

મુંબઈ તા. ૧૬ : દેશની સરકાર હસ્તકની એરલાઈન, એર ઈન્ડિયાએ નવા વર્ષમાં મહિલા પ્રવાસીઓને ગિફટ આપી છે. તેણે જાહેરાત કરી છે કે એર ઈન્ડિયાના વિમાનોમાં ઈકોનોમી કલાસમાં એક આખી હરોળ એવી મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે જેઓ એકલી અથવા નાનાં બાળકની સાથે પ્રવાસ કરતી હશે. આ માટે એરલાઈન એવી મહિલા પ્રવાસીઓ પાસેથી કોઈ એકસ્ટ્રા ચાર્જ વસૂલ નહીં કરે.

જેઓ આપણને આ દુનિયામાં લાવી છે તે મહિલાઓ પ્રતિ આદર અને સમ્માન વ્યકત કરવા માટે એર ઈન્ડિયાએ આ મહત્વનો નિર્ણય લીધો છે. તેણે આ જાહેરાત એના ટ્વિટર હેન્ડલ પર કરી છે. વિમાનમાં મહિલાઓ માટે એક આખી રો મહિલાઓ માટે અનામત રાખવાનો આવો નિર્ણય લેનાર એર ઈન્ડિયા પહેલી જ એરલાઈન બની છે.

એર ઈન્ડિયાએ કહ્યું છે કે આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતી મહિલાઓએ એમની ફલાઈટ ઉપડવાના દોઢ કલાક પહેલાં એરપોર્ટ પર એરલાઈનના કાઉન્ટર પર અથવા બુકિંગ અધિકારીનો સંપર્ક કરવો. એર ઈન્ડિયાની આ સુવિધા માત્ર દેશમાંની (ઘરેલુ) ફલાઈટ્સ માટે જ છે.

(10:53 am IST)