Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કેલિફોર્નિયાના ફેડરલ જજના હુકમ અનુસાર યુએસ સિનીઝન એન્‍ડ ઇમીગ્રેશન સર્વિસના સત્તાવાળાઓએ ડાકા પ્રોગ્રામની અરજીઓને સ્‍વીકારવાની કરેલી શરૂઆતઃ પાંચમી સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ પહેલા ડાકાનો પ્રોગ્રામ રદ્દ કરવામાં આવ્‍યો હતો અને તે તારીખની અસરવાળાઓની જ અરજી સ્‍વીકારવામાં આવશેઃ નવા અરજદારોની અરજીઓ સ્‍વીકારવામાં આવશે નહીં: આ રદ્દ થયેલા પ્રોગ્રામથી જેઓને સહન કરવાનો સમય આવેલ છે તેમણે સમય ગુમાવ્‍યા વિના અરજી કરવી હિતાવહ છે એવું નિષ્‍ણાંતો જણાવી રહ્યા છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : કેલિફોર્નિયાના ફેડરલ જજ વિલિયમ અલ્‍સુયે ગયા મંગળવારે પોતાના એક હૂકમ દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સપ્‍ટેમ્‍બર માસની પાંચમી તારીખે બહાર પાડેલા એક વહીવટી હૂકમ અન્‍વયે ભૂતપૂર્વ પ્રમુખ બરાબ ઓબામાએ એક વહીવટી હૂકમ બહાર પાડીને ફીફર્ડ એકશન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સનો પ્રોગ્રામ બહાર પાડેલ જે સમગ્ર અમેરિકામાં ડાકાના નામે ઓળખાય છે તેને રદ્દ કરતો હૂકમ બહાર પાડતા સમગ્ર અમેરિકામાં આ પ્રોગ્રામનો લાભ લેનાર આઠ લાખ નવયુવાન ભાઇ-બહેનોનું ભાવિ અંધકારમય બની જવા પામેલ છે.

આ વહીવટી હૂકમને કેલિફોર્નિયાની ફેડરલ અદાલતમાં પડકારવામાં આવ્‍યો હતો અને તે અદાલતના નામદાર ન્‍યાયાધીશો જે વહીવટી હૂકમ બહાર પાડવામાં આવેલ તેનો અમલ બંધ કરતો હૂકમ આપ્‍યો હતો અને તેનો અમલ જ્‍યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્‍યાં સુેધી યથાવત રીતે રહેશે અને આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને યુ.એસ. ઇમીગ્રેશન એન્‍ડ સિટીઝનશીપ સર્વિસના સત્તાવાળાઓએ ગયા શનિવાર પાંચમી સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના રોજથી ડાકાનો પ્રોગ્રામ રદ્દ કરતો વહીવટી હૂકમ બહાર પાડવામાં આવેલ અને તેની અસર પામેલા ડાકા પ્રોગ્રામનો લાભ લેનારાઓની અરજીઓનો સ્‍વીકાર કરવાની શરૂઆત કરવામાં આવેલ છે અને તે અંગેની જરૂરી સૂચનાઓ તેઓની વેબસાઇટ પર પણ મુકવામાં આવેલ છે.

નાની વયના સંતાનો પોતાના પરિવારનો સભ્‍યો સાથે અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવીને સ્‍થાયી થયેલા છે અને તેઓ સર્વે અંધકારમય જીવન પસાર કરતા હતા તે બીના ત્‍યારના પ્રમુખ બરાબ ઓબામાના ધ્‍યાન પર આવતા તેમણે કોંગ્રેસને આ અંગે ઘટતુ કરવા માટે વારંવાર વિનંતીઓ કરી હતી પરંતુ તે અંગે રાજકીય નેતાઓએ લેશમાત્ર ધ્‍યાન ન આપતાં છેવટે ઓબામાએ એક વહીવટી હૂકમ બહાર પાડીને ડાકાનો પ્રોગ્રામ શરૂ કર્યો અને એક અંદાજ અનુસાર આઠ લાખ જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો, પરંતુ હાલના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસની પાંચમી તારીખથી તેને રદબાતલ કરતો વહીવટી હૂકમ બહાર પાડતા આ પ્રોગ્રામનો લાભ લેનારાઓ અત્‍યંત આપત્તિજનક પરિસ્‍થિતિમાં મુકાઇ જવા પામેલ છે.

આ વહીવટી હૂકમને ન્‍યાયી અદાલતમાં પડકારવામાં આવતા આ અંગેના કેસનો ચૂકાદો ન આવે ત્‍યાં સુધી આ વહીવટી હૂકમ અંગે મનાઇ હૂકમ આપવામાં આવેલ છે અને તેનો અમલ રાષ્‍ટ્રીય સ્‍તરે કરવો એવો આદેશ પણ કરવામાં આવેલ છે અને પાંચમી સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ની પરિસ્‍થિતિનું નિર્માણ થતાં હવે આ વહીવટી હૂકમની અસર પામેલાઓએ પોતાની અરજીઓ રીન્‍યુ કરાવી લેવી હિતાવહ છે એવું નિષ્‍ણાંતોનું માનવું છે.

આ સમગ્ર વહીવટી હૂકમની કાર્યવાહી હાલમાં અદાલતના આંગણે છે અને કેસની શરૂઆત થશે ત્‍યારે તેનો ચૂકાદો કેવો આવશે તે તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે. આ અંગે અનેક પ્રકારના કાયદાકીય પ્રશ્નો સંકળાયેલા છે તેથી આ સમગ્ર પ્રશ્નનો ઉકેલ ક્‍યારે અને કેવો આવશે તે અંગે હાલમાં કંઇ પણ ધારણા કરી શકાય એમ નથી. આ અંગેની માહિતી અમોને પ્રાપ્‍ત થતા વાંચક વર્ગ માટે અમો આ અંગે પ્રગટ કરતા રહીશું તેની સૌ ખાત્રી રાખે.

(9:20 pm IST)