Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ એનફોર્સમેન્‍ટ વિભાગના એજન્‍ટોએ જાન્‍યુઆરી માસની ૧૦મી તારીખને બુધવારે અમેરિકાના ૧૭ જેટલા રાજ્‍યો કે જેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, ડેલાવરે, ફલોરીડા, ઇલીનોઇસ, ઇન્‍ડીયાના, મેરીલેન્‍ડ, મીશીગન, મીઝોરી, નેવાડા, ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક, નોર્થ કેરોલીના, ઓરેગન, પેન્‍સીલવેનીઆ, ટેક્‍સાસ અને વોશિંગ્‍ટનનો સમાવેશ થાય છેઃ તેમાં આવેલા ૯૮ જેટલા સેવન ઇલેવન સ્‍ટોરમાં સામુહિક દરોડો પાડતા અમેરિકાના બિઝનેસમેનોમાં પ્રસરી રહેલી ફફડાટની લાગણીઃ આ દરોડામાં ૨૧ જેટલી વ્‍યકિતઓની કરવામાં આવેલી ધરપકડઃ ગયા વર્ષે ૧૩૬૦ જેટલા કર્મચારીઓનું થયેલ ઓડીટમાં ૩૦૦ જેટલા કર્મચારીઓની કરવામાં આવેલી ધરપકડ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : અમેરિકાના ૧૭ જેટલા રાજ્‍યોમાં યુ.એસ. ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ એનફોર્સમેન્‍ટ એજન્‍ટોએ ૯૮ જેટલા સેવન ઇલેવન સ્‍ટોરમાં દરોડા પાડીને જરૂરી ઓડીટ કરતા ૨૧ જેટલા કર્મચારીઓની તેમને તેમના પરોેલ પર રાખવા માટે ધરપકડ કરવામાં આવતા સમગ્ર અમેરિકામાં આવી  એક્‍ટ સાથે રેડ પાડતા સર્વત્ર જગ્‍યાએ સન્‍નાટો વ્‍યાપી ગયો હતો. સમગ્ર અમેરિકાના જે રાજ્‍યોમાં આવેલા સેવન ઇલેવનના સ્‍ટોરો આવેલા છે તેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, ડેલાવરે, ફલોરીડા, ઇલીનોઇ, ઇન્‍ડીયાના, મેરીલેન્‍ડ, મીશીગન, મીઝોરી, નેવાડા, ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક, નોર્થ કેરોલીના, ઓરેગન, પેન્‍સીલવેનીઆ, ટેક્‍સાસ અને વોશિંગ્‍ટનનો સમાવેશ થાય છે.

જાન્‍યુઆરી માસની દસમી તારીખને બુધવારની વહેલી સવારથી સત્તર જેટલા રાજ્‍યોમાં આવેલા સેવન સ્‍ટોરમાં કર્મચારીઓનું ઓડીટીંગ શરૂ કર્યુ હતું અને જરૂરી તપાસના અંતે ૨૧ જેટલા કર્મચારીઓની ગેરરીતિઓ માલુમ પડી હતી અને સત્તાવાળાઓએ આ તમામ લોકોની ધરપકડ કરેલ છે. ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ ખાતાના અધિકારીઓને એવું માલુમ પડયુ હતું કે સેવન ઇલેવન સ્‍ટોરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે કર્મચારીઓને પગારપત્રક પર રાખીને તેઓની પાસે ગેરકાયદેસર રીતે કામ કરાવે છે અને તેથી અમેરિકનોની જોબ જતી રહે છે. આથી ૧૭ જેટલા રાજ્‍યોમાં એકી સાથે દરોડા પાડીને જરૂરી ચકાસણી હાથ ધરતા ૨૧ જેટલી ગેરરીતિઓ પકડી પાડવામાં આવીહતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જ્‍યારે પોતાનો હોદ્દો સંભાળ્‍યો હતો ત્‍યાર બાદ સમગ્ર અમેરિકાના ૧૭ જેટલા રાજ્‍યોમાં આવેલા ૯૮ જેટલા સેવન ઇલેવન કન્‍વીનીયન્‍સ સ્‍ટોરમાં એક સામટા દરોડા પાડવામાં આવ્‍યા છે. જે લોકો પોતાના બિઝનેસોમાં ગેરકાયદેસર રીતે કર્મચારીઓની ભરતી કરે છે અને ઓછામાં ઓછો પગાર આપીને તેઓનું શોષણ કરે છે તેવા લોકોને આ સંદેશો પહોંચાડવાનો એક પ્રયાસ છે. એવું આ એજન્‍સીના વડા થોમસ હોમને જણાવ્‍યું છે.

કેટલાક બિઝનેસમેનો પોતાના બિઝનેસમાં આવા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને પોતાને ત્‍યાં નોકરી પર રાખીને કાયદાનો ભંગ કરે છે તે યોગ્‍ય નથી અને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટના અધિકારીઓ આ બદીને નેસ્‍તનાબુદ કરવા કટિબદ્ધ બન્‍યા છે અને ગયા વર્ષમાં ચાલીસ ટકાથી વધુ લોકોની ધરપકડ કરીને એક નવો રેકોર્ડ સર્જ્‍યો હતો અને કેટલીક જગ્‍યાએ તો હાલમાં સેવન ઇલેવન સ્‍ટોરો બંધ કરી દેવાની પણ સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

વિશ્વમાં અને સમગ્ર અમેરિકામાં સેવન ઇલેવન ફ્રેન્‍ચાઇઝના સાંઠ હજાર જેટલા સ્‍ટોરો આવેલા છે અને સ્‍ટોરોના માલિકો પોતાની સ્‍વતંત્ર નીતિ અનુસાર જે વ્‍યકિતઓને પોતાને ત્‍યાં નોકરીએ રાખે છે પરંતુ આ ફ્રેન્‍ચાઇઝના જ કેટલાક નિયમો છે તેનું ફ્રેન્‍ચાઇઝી લેનારે કાયદેસરનું પાલન કરવાનું રહે છે. આથી જેઓએ નિયમોનો ભંગ કરેલો છે તેવી વ્‍યકિતઓ પાસેથી આ ફ્રેન્‍ચાઇઝી લઇ લેવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

આજથી પાંચેક વર્ષ પહેલા ૨૦૧૩ના વર્ષ દરમિયાન પણ સેવન ઇલેવન સ્‍ટોરમાં આવા પ્રકારના દરોડાઓ પાડવામાં આવ્‍યા હતા અને તેમાં માલિકો તથા મેનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ એન્‍ફોર્સમેન્‍ટના અધિકારીઓએ ૧૩૬૦ જેટલા કર્મચારીઓનું ઓડીટ લેવામાં આવ્‍યા હતું. જેમાં ૩૦૦ જેટલા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આવા બિઝનેસમેનોને ૯૭ મિલીયન ડલર જેટલો દંડ અને પગાર પેટે આ રકમ વસુલ કરવામાં આવી હતી.

સમગ્ર અમેરિકામાં બુધવારે ૧૭ રાજ્‍યોમાં આવેલા સેવન ઇલેવન સ્‍ટોરોમાં સામુહિક રીતે એકી સાથે દરોડા પડાતા સમગ્ર અમેરિકામાં બિઝનેસ કરતા બિઝનેસમેનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામેલ છે.

 અમેરિકામાં હાલમાં રિપબ્‍લીકન પાર્ટીના હાથમાં વ્‍હાઇટ હાઉસ તેમજ સેનેટ અને હાઉસ એમ બંને ગૃહો પર પ્રભુત્‍વ ધરાવે છે અને તેથી તેમણે જે લાંબા સમયથી ઇમીગ્રેશન ખાતાને સ્‍પર્શતા અણઉકેલ્‍યા પ્રશ્નોનો જરૂરી ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરવા જોઇએ અને જો તે હલ થશે તો ઘણા પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવી શકે તેમ છે. રિપબ્‍લીકન પાર્ટીના નેતાઓ આ દિશામાં આગળ વધે તે હિતાવહ છે.

(9:18 pm IST)