Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

ગરીબ સવર્ણોને પણ મળે અનામતનો લાભ

મદ્રાસ હાઈકોર્ટે કર્યુ સૂચન... ગરીબ આખરે ગરીબ હોય છે પછી ભલે તે સવર્ણ જ્ઞાતિનો હોય કે પછાતવર્ગનો હોયઃ આવા જરૂરીયાતમંદ લોકોને આર્થિક જ નહિ શૈક્ષણિક અને રોજગારમાં પણ અનામતના લાભ મળવા જોઈએઃ મદ્રાસ હાઈકોર્ટે તામીલનાડુ સરકારને આ સૂચન આપતા સવર્ણ વર્ગના આર્થિક દ્રષ્ટિથી પછાત લોકોને આર્થિક આધાર પર અનામતની સંભાવના શોધવાના નિર્દેશો આપ્યા

ચેન્નઈ, તા. ૧૬ :. મદ્રાસ હાઈકોર્ટે કહ્યુ છે કે, ગરીબ, ગરીબ જ હોય છે પછી ભલે તે સવર્ણ જ્ઞાતિ હોય કે પછી પછાત જ્ઞાતિનો. આવા જરૂરીયાતમંદ લોકોને ફકત આર્થિક જ નહિ પરંતુ શૈક્ષણિક અને રોજગારમાં પણ અનામતનો લાભ મળવો જોઈએ.

મદ્રાસ હાઈકોર્ટે તામીલનાડુ સરકારને આ સૂચન આપતા સવર્ણ વર્ગના આર્થિક દ્રષ્ટિથી પછાત લોકોને આર્થિક આધાર પર અનામત આપવાની સંભાવના શોધવાના નિર્દેશો આપ્યા છે. ન્યાયધીશ એન. કૃપાકરણે મેડીકલ કોલેજમાં બેઠકોના વર્ગ બદલવા સંબંધી એક અરજી પર આ સૂચન કર્યુ છે. અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશ કૃપાકરણે કહ્યુ હતુ કે, સવર્ણ ગરીબોની અવગણના થતી હોય છે. કોઈપણ તેના માટે અવાજ નથી ઉઠાવતું, કારણ કે સામાજિક ન્યાયના નામ પર તેઓને વિરોધનો ભય રહેતો હોય છે. તેઓએ કહ્યુ હતુ કે સામાજિક ન્યાય સમાજના દરેક વર્ગ માટે હોવો જોઈએ. એ જરૂરી છે કે, હાસીયા ઉપર ધકેલાઈ ગયેલા બધા સમુદાયોને અનામતનો લાભ મળવો જોઈએ. પછાતોની વિરૂદ્ધ નહિ પરંતુ ગરીબ સંવર્ણોને પણ અનામતના લાભ મળવા જોઈએ.

ન્યાયધિશ કૃપાકરણે પોતાના ફેંસલામાં કહ્યુ છે કે, સવર્ણ સમુદાયના ગરીબોને અનામતનો વિચાર એ લોકોની વિરૂદ્ધ સમજવો ન જોઈએ જેમને અત્યારે આ લાભ મળે છે. કોર્ટ જાણે છે કે, બધા સમુદાયોમાં ગરીબો હોય છે અને તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ થવો જોઈએ.

હાઈકોર્ટે કહ્યુ છે કે, ૨૨ રાજકીય કોલેજોમાં ૨૨૫૧ મેડીકલ બેઠકો છે. જેમાં ૩૧ ટકા સામાન્ય વર્ગ માટે, ૨૬ ટકા પછાત વર્ગ માટે, ૪ ટકા મુસ્લિમ પછાત માટે, ૨૦ ટકા લઘુમતી માટે, ૧૮ ટકા અનુ.જાતિ અને ૧ ટકા અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. સામાન્ય શ્રેણીની ૮૨૨ બેઠકોમાં વધારાના અનામતના વર્ગના વિદ્યાર્થી પણ વરીયતા યાદીના હિસાબથી દાવેદાર હોય છે. એવામાં સામાન્ય વર્ગને મળેલ બેઠકોની સંખ્યા ૭.૩૧ ટકા એટલે કે ૧૯૪ બેઠકો સુધી જ રહી જાય છે.

સરકારને આપેલા નિર્દેશ, પૂછયા સવાલો

- સામાન્ય વર્ગ, પછાતવર્ગ, અન્ય પછાતવર્ગ, લઘુમતી, અનુજાતિ, જનજાતિમાં કયા-કયા વર્ગ છે? તેની વિગતો આપવામાં આવે.

- રાજ્યમાં તમામ સમુદાયોની વસ્તી જણાવવામાં આવે.

- શું તેઓને અનામતનો લાભ મળ્યા બાદ તેમના શૈક્ષણિક અને સામાજિક સ્તરમાં સુધારો થયો છે?

- શું સરકારે ૧૯૫૦ બાદ એવો કોઈ સર્વે કરાવ્યો છે? જેનાથી એ પુષ્ટી થઈ શકે કે અનામતનો લાભ આ સમુદાયોને મળ્યો છે?

- શું સામાન્ય વર્ગને આર્થિક પછાતપણાના આધાર અનામત આપવાની સંભાવના છે ?

- શું સરકાર વાકેફ છે કે ખોટી રીતે જ્ઞાતિના પ્રમાણપત્રો મેળવવામાં આવી રહ્યા છે ?

- જો આવુ હોય તો આવા નકલી પ્રમાણપત્રોને રોકવા માટે કયા કડક પગલા લીધેલા છે ?

શું હતો મામલો ?

૧૪ સવર્ણ છાત્રોએ સરકારી મેડીકલ કોલેજોમાં અન્ય વર્ગની મેડીકલ સીટોનો કવોટા બદલી પછાત વર્ગ કરવાના નિર્ણયને ગેરકાનૂની ઠેરવવાના મામલામાં અરજી દાખલ કરી હતી. અરજીમાં સરકારના ફેંસલાને બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન ગણાવ્યુ હતુ. અરજીમાં અન્ય વર્ગ માટે ફાળવવામાં આવેલ બેઠકો પર ફરીથી કાઉન્સીલીંગની માંગણી થઈ હતી.(૧-

(11:07 am IST)