Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોન્સૂન રિટર્ન:કેરળ સહિત દેશના 17 રાજ્યમાં 19 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી

કેરળના પાંચ જિલ્લા રેડ એલર્ટ પર અને ઓછામાં ઓછા સાત અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર : ઇડુક્કીમાં અનેકના મોત :કોટ્ટાયમમાં અનેક ભૂસ્ખલન બાદ ઘણા લોકો હજુ ગુમ

નવી દિલ્હી : દેશના ઘણા ભાગોમાંથી ચોમાસું પાછું ફર્યું હશે, પરંતુ કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ પડી રહ્યો છે. કેરળના કુલ પાંચ જિલ્લા શનિવારે રેડ એલર્ટ પર છે. જ્યારે ઓછામાં ઓછા સાત અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન, કેરળના ઇડુક્કીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે કોટ્ટાયમમાં અનેક ભૂસ્ખલન બાદ ઘણા લોકો હજુ ગુમ છે.

કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેનાની મદદ માંગી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) માત્ર કેરળમાં જ નહીં પરંતુ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ સહિતના 16 વધારાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 19 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે.

લો પ્રેશર એરિયાના કારણે આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના કેરળ પર લો પ્રેશરનો વિસ્તાર આવેલો છે. અન્ય લો પ્રેશર એરિયા ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં યથાવત છે. આ લો પ્રેશર સાયક્લોનિક સરક્યુલેશન સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ તરફ એટલે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

તે જ સમયે, શનિવારે કેરળના દક્ષિણ અને મધ્ય ભાગોમાં ભારે વરસાદને કારણે ઘણા સ્થળોએ પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા જ્યારે લગભગ એક ડઝન લોકો લાપતા છે. વરસાદને કારણે વિકટ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી માટે સેનાની મદદ માંગવી પડી છે. રાજ્યના મોટાભાગના ડેમ તેમની સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે અને ભૂસ્ખલનથી પર્વતોના ઘણા નાના શહેરો અને ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

(12:11 am IST)