Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જાહેરમાં નમાજના વિરોધમાં સ્થાનિકોએ ભજન-કિર્તન કર્યા

ગુરુગ્રામમાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ : કોઈ પણ સંજોગોમાં જાહેરમાં નમાજ નહીં પઢવા દેવા સ્થાનિકો મક્કમ, ભજન-કિર્તન કરી વિરોધ ચાલુ રખાશે

નવી દિલ્હી, તા.૧૬ : દિલ્હીને અડીને આવેલા ગુરૂગ્રામના સેક્ટર ૪૭માં શુક્રવારે જાહેરમાં નમાજના વિરોધમાં અહીંના લોકોએ ભજન કિર્તન કર્યા હતા. વિરોધ કરી રહેલા લોકોએ નમાજના સ્થળે પણ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેમને અટકાવી દીધા હતા. અહીંના રહેવાસીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. લોકોએ કહ્યુ હતુ કે, જો આ સમસ્યાનો ઉકેલ પોલીસ ના લાવી શકતી હોય તો પોલીસ મથકમાં નમાજ પઢવા માટે મંજૂરી આપે.

સ્થાનિક લોકો અંહીયા જાહેરમાં નમાજનો કેટલાક દિવસોથી વિરોધ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, એક દિવસ માટે નમાજ પઢવાની મંજૂરી અપાઈ હતી અને હવે દર શુક્રવારે અહીંયા નમાજ પઢવામાં આવી રહી છે. તેમાં પાછુ કોઈ સ્થાનિક રહેવાસી તો છે જ નહી. જો તેમને નમાઝ અદા કરવી હોય તો મસ્જિદમાં કે પોતાના ઘરમાં કરે.

લોકોની નારાજગી જોઈને પોલીસે નમાજનુ સ્થળ બદલ્યુ હતુ પણ લોકોનુ કહેવુ છે કે, સેક્ટર ૪૭માં કોઈ પણ સંજોગોમાં નમાજ પઢવા દેવામાં નહીં આવે અને જ્યાં સુધી તંત્ર આ સમસ્યાનો ઉકેલ નથી લાવતુ ત્યાં સુધી દર શુક્રવારે અમે ભજન કિર્તન અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.

(7:31 pm IST)