Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત.

ભારતના પાટનગર દિલ્હીમાં યમુના નદીના કાંઠે ધર્મ ધજા લહેરાવતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત જે હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના ૪૩ મા પ્રતિષ્ઠોત્સવની પૂર્વ સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. જેમાં આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા વડાપ્રધાનશ્રીએ અતીતના સંસ્મરણોની યાદદાસ્ત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મને ત્રણ ત્રણ શ્રી સ્વામિનારાયણ ગાદીની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના વારસદારોના દિવ્ય આશીર્વાદ અને પાવનકારી સાનિધ્યમાં ચરણોમાં બેસવાનો અણમોલ લ્હાવો અનેકવાર પ્રાપ્ત થયો છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ - આમ ત્રણ ત્રણ પેઢીઓના દર્શન, આશીર્વાદ પામ્યો છું. શુભેચ્છા મુલાકાત સમયે અનેક સંસ્મરણો વાગોળ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીને પ્રસન્નતાની પાઘ, શાલ, રક્ષાસૂત્ર, કુમકુમનો ચાંલ્લો અને સ્વર્ણિમ કળશ અર્પણ કરી આશીર્વાદ અર્પણ કર્યા હતા. શુભેચ્છા મુલાકાતમાં સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શ્રી શરણાગતવત્સલદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, કીર્તિભાઈ વરસાણી તથા નિમિત્ત કાકા ઉપસ્થિત રહ્યા હતા.

(7:06 pm IST)