Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ઇમરાન V/S બાજવાઃ ખેલ ખુરશીનો

પાક.ના પીએમ ઇમરાનની ખુરશી હાલકડોલક?

નવી દિલ્હીઃ પાક ગુપ્તચર એજન્સી (આઇએસઆઇ) ચીફની નિમણંક અંગેનો વિવાદ વધુ એક નાટકીય મોડ પર પહોંચી ગયો છે. જો આ મામલો વધુ આગળ વધશે તો પાકિસ્તાનમાં એક મોટું બંધારણીય સંકટ ઉભુ થઇ શકે છે. જેની આંચ ત્યાંની લોકશાહી સરકાર સુધી પહોંચી શકે છે એવું કહેવાય રહ્યું છે કે પાકિસ્તાની સેના બંધારણીય જોગવાઇનું અતિક્રમણ કરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન આઇએસઆઇ ચીફની નિમણુંક બાબતે સતત બંધારણીય જોગવાઇઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. આનું પરિણામ શું આવશે આવો જાણીએ નિષ્ણાંત હર્ષ પંતનો અભિપ્રાય.

ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન નવી દિલ્હીના ડાયરેકટ પ્રોફેસર હર્ષ વી. પંત કહે છે કે પાકિસ્તાનમાં જયારે જયારે સરકાર અને સેના વચ્ચે ડખ્ખો થયો છે ત્યારે ત્યારે સેનાએ સત્તા પર કબજો કર્યો છે. એટલે જો આ વિવાદ લાંબો ચાલે તો તે ઇમરાન અને લોકશાહી સરકારના હિતમાં નહીં હોય. મને તો આ સારા સંકેત નથી દેખાઇ રહ્યા. પાક સેનાને એ ખબર જ છે કે ઇમરાનની લોકપ્રિયતાનો ગ્રાફ અત્યારે તળીયે છે. ૨૦૧૮માં સત્તા પર આવ્યા પછી ઇમરાન લગભગ દરેક મોર્ચે નિષ્ફળ રહ્યા છે. સેના આનો લાભ ઉઠાવી શકે છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પાક મીડીયામાં એ વાત જોર પકડી રહી છે કે શાહ મહમૂદ કુરેશી દેશના વડાપ્રધાન બની શકે છે. સેના અને વિપક્ષમાં કુરેશીની છબી સારી છે. સેના અને વિપક્ષમાં તે બહુ લોકપ્રિય છે. પાકિસ્તાનના રાજકીય ગલીયારામાં કાયમ એવું કહેવાતું રહ્યું છે કે કુરેશીની ઇચ્છા પીએમ બનવાની છે.

જો કે આ પહેલા પણ બે વાર કુરેશી વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવાનો મોકો ગુમાવી ચૂકયા છે. એક વાર યુસુફ રજા ગિલાની અને બીજીવાર ઇમરાન તેમના માટે બાધારૂપ બન્યા હતા. મહત્વની વાત એ છે કે કુરેશી અને સેના વચ્ચે સારા સંબંધો છે.

(2:58 pm IST)