Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

લાપરવાહીમાં કરૂણ ઘટનાઃ શૌચાલયમાં થઇ ગયું મહિલાનું પ્રસવ, કમોડમાં ફસાઇ જતા નવજાતનું દર્દનાક મોત

સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો હૃદયદ્રાવક કિસ્સો ફરી એક વાર પ્રકાશમાં આવ્યો : યુપીની ઘટના

કાનપુર,તા. ૧૬: જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હેલટમાં બેદરકારીનો હૃદયદ્રાવક કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાનું નવજાત કર્મચારીઓની અવગણનાને કારણે બચી શકયું નહીં અને તેનું દર્દનાક મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, હસીન બાનો નામની મહિલાને ડિલિવરી માટે હેલટમાં દાખલ કરવામાં આવી હતી. તેને રાત્રે શૌચાલયમાં જવાનું હતું. તેણે આ માટે સ્ટાફને અવાજ આપ્યો. પરંતુ સ્થળ પર કોઈ ન હતું અને કોઈએ તેનો અવાજ સાંભળ્યો ન હતો. તે પછી તે મુશ્કેલી સાથે ટોઈલેટ પહોંચી ગઈ. આ સમય દરમિયાન તેને અચાનક પ્રસવની પીડા થઈ અને નવજાતને જન્મ આપ્યો.

પીડાદાયક બાબત એ હતી કે, બાળક કોમોડમાં પડ્યું અને તેમાં ફસાઈ ગયું. આ દરમિયાન મહિલા મદદ માટે ચીસો પાડતી રહી પરંતુ લાંબા સમય સુધી કોઈ ત્યાં આવ્યું નહીં. બાદમાં એક સ્ટાફ નર્સ ત્યાં પહોંચી અને મહિલાના પતિને જાણ કરી. મહિલાનો પતિ ત્યાં પહોંચ્યો પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને નિર્દોષ બાળક કોમોડમાં ફસાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત નીપજયું હતું.

આ ઘટનાની જાણકારી મળતા જ હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો. મોડી રાત્રે કર્મચારીની ગેરહાજરીને લઇને લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.

તો, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ડોકટરોની બેદરકારી પણ સામે આવી રહી છે. મામલો વધતો જોઈ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તપાસના આદેશ આપ્યા. આ સાથે તેમણે કહ્યું કે, આ કેસમાં જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

તો, ઇમરજન્સી મેડિકલ ઓફિસરે કહ્યું કે, કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. જયારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ જી અય્યરે પણ કડક વલણ અપનાવ્યું અને ચીફ મેડિકલ ઓફિસર પાસેથી આ બાબતે રિપોર્ટ મંગાવ્યો. તેમણે કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ દોષી વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(2:56 pm IST)