Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મુજે નીંદ ન આયે, મુજે ચેન ન આયે...

આર્યન ખાન ચટ્ટાઇ ઉપર સુવા મજબૂરઃ જનરલ વોર્ડમાં પ૦-૬૦ ની ક્ષમતા સામે રપ૦ કેદી

હાઇકોર્ટના ઓર્ડર મુજબ કેદીને અઠવાડીયામાં બે વાર પરિજનો સાથે વાતચીતની છૂટઃ વધુમાં વધુ ૪પ૦૦ રૂપિયા પોતાની પાસે રાખી શકે

મુંબઇ તા. ૧૬ :.. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી મામલે પકડાયેલ સ્ટાર કીડ આર્યન ખાન દક્ષિણ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. વૈભવી જીવનશૈલી જીવતા આર્યનને ચટ્ટાઇ ઉપર ન હતો ઊંઘ આવી રહી છે, કે ન ચેન પડી રહ્યો છે. જેલનું ભોજન પણ માફક નથી આવી રહ્યું ઉપરથી ઘરનું ભોજન પણ પ્રતિબંધીત છે. દરમિયાન શાહરૂખે રૂ. ૪પ૦૦ નો મની ઓર્ડર મની ઓર્ડર કરેલ, જે જેલ તંત્ર દ્વારા આર્યનને આપવામાં આવેલ.

આવેલ મની ઓર્ડરમાંથી આર્યન જેલની કેન્ટીનમાંથી વસ્તુઓ ખરીદી શકે છે. જેલ અધિકારીઓએ ગુરૂવારે માતા-પિતા ગૌરી અને શાહરૂખ સાથે આર્યનને વીડીયો કોલથી વાતચીત કરાવેલ. ઉપરાંત વાંચન માટે કેટલાક પુસ્તકો આપેલ. એનસીબીએ ર ઓકટોબરે આર્યન સહિત ૮ લોકોની ધરપકડ કરેલ. જેમાં તેના મિત્રો આરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધમેચાની જામીન અરજી ઉપર તા.ર૦ ના સુનાવણી કરાશે. નિચલી કોર્ટ દ્વારા ત્રણ વખત આર્યનની જામીન અરજી ફગાવેલ.

જેલ અધિક્ષક નીતિન વાયચલે જણાવેલ કે આર્યનને જેલનું ભોજન જ આપવામાં આવે છે. ઘરનું બહારનું ભોજન ન આપી શકાય. જયાં સુધી કોર્ટનો હુકમ ન થાય ત્યાં સુધી જેલનું ભોજન જ મળશે. કેન્ટીનમાંથી આર્યન બ્રેડ, નમકીન, ભેળ, પાણીની બોટલ, વડાપાવ, ભજીયા પાવ, સમોસા, ઇંડા થાળી અને જયુસ લઇ શકે છે.

આર્થર રોડ જેલમાં ૩ર૦૦ કેદીઓ છે. તેમના પરિવારજનો સાથે વાતચીત માટે ૧૧ ફોન છે. વોટસએપ ઉપર વીડીયો કોલની સુવિધા છે. જેલના સુરક્ષા કર્મીઓની હાજરીમાં વાતચીત થાય છે. કોવીડ નેગેટીવ આવ્યા બાદ આર્યન સહિત અન્ય આરોપીઓને જનરલ વોર્ડમાં ટ્રાન્સફર કરાયેલ. પ૦ થી ૬૦ ની ક્ષમતાવાળા આ વોર્ડમાં રપ૦ કેદીઓ છે, જેથી પડખુ ફેરવવું પણ મુશ્કેલ છે.

જેલના નિયમો કડક છે. સવારે ૬ વાગ્યે જાગવાનું હોય છે. નાસ્તો-ભોજન લાઇનમાં ઉભા રહી લેવાના હોય છે. રાત્રે વહેલુ સુઇ જવાનું હોય છે. જેલમાં કેદીઓ વધુમાં વધુ ૪પ૦૦ રૂપિયા પોતાની પાસે રાખી શકે છે. કોરોનાકાળમાં પરિવાર સાથે રૂબરૂ મુલાકાતની પરવાનગી નથી. હાઇકોર્ટે અઠવાડીયામાં બે વાર ટેલીફોનીક વાતચીત માટે કેદીઓને મંજૂરી આપી છે.

(11:54 am IST)