Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પેટ્રોલના ભાવ વધારાને અવગણી

રાજ્યમાં દશેરાએ ૧૯,૫૦૦ ટુ વ્હીલર અને ૬,૮૦૦ કારનું વેચાણ

સમગ્ર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ૩૯,૦૦૦ ટુ વ્હીલર જ્યારે ૧૪,૦૦૦ કાર વેચાઇઃ કોરોના બાદ તેજીનો સંચાર :અમદાવાદમાં દશેરાએ ૫,૧૦૦ ટુ વ્હીલર ૧,૯૦૦ કાર વેચાઇ

અમદાવાદ,તા. ૧૬: નવરાત્રિના નવ દિવસોમાં વાહનોની ખરીદી કરનારા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા વધુ જોવા મળી હતી. માત્ર આજે દશેરાના શુકનવંતા દિવસે જ અમદાવાદમાં ૫,૧૦૦ ટુ-વ્હીલર અને ૧,૯૦૦ કારનું વેચાણ થયું હતું. કોરોનાની અસરના કારણે ગત વર્ષે વેચાણ થયું નહોતું. મોટાભાગનો સમય લોકડાઉન રહ્યું હોવાના કારણે શો-રૂમો પણ બંધ રહ્યાં હતા. કોરોનાની બીજી લહેર નબળી પડયા પછી માર્કેટમાં તેજીનો સંચાર થઈ રહ્યો છે. હવે જયારે માર્કેટ ખૂલ્યું છે ત્યારે ગ્રાહકોની ખરીદશકિત પણ વધી છે.

પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યાં હોવા છતાં ટુ વ્હીલર અને કારના વેચાણમાં ઘટાડો આવ્યો નથી. ખાસ કરીને એસયુવી કારનું વેચાણ વધારે થઇ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, બુકિંગ તો એક મહિના પહેલાથી થઇ ગયા હતા પરંતુ સપ્લાય ઓછી હોવાને કારણે વેચાણને અસર થઇ છે. તેમ છતાં કાર વેચાણનું માર્કેટ ગત વર્ષ કરતા સારું રહ્યું હતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં કારનું વેચાણ ૩,૧૫૦ થયું હતું. જયારે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કુલ ૧૪,૦૦૦ કારનું વેચાણ થયું છે. ટુ વ્હીલરનું નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં વેચાણ ૮,૫૦૦ અને ગુજરાતમાં ૩૯,૦૦૦નું વેચાણ થયું છે તેમ ફાડાના સૂત્રોએ જણાવ્યું હતું. 

નવરાત્રિમાં ટુ વ્હીલરનું વેચાણ કેટલું

વાહનનો પ્રકાર

અમદાવાદ

ગુજરાત

ટુ વ્હીલર

૮,૫૦૦

૩૯,૦૦૦

ફોર વ્હીલર

૩,૧૫૦

૧૪,૦૦૦

માત્ર દશેરાના દિવસે કેટલું વેચાણ

વાહનનો પ્રકાર

અમદાવાદ

ગુજરાત

ટુ વ્હીલર

૫,૧૦૦

૧૯,૫૦૦

ફોર વ્હીલર

૧,૯૦૦

૬,૮૦૦

(10:14 am IST)