Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વેટ બંધ.. ૪ વર્ષે પણ ટીન નંબરના નાણા પરત આપવામાં ઠાગાઠૈયા

બે વર્ષમાં વસૂલ કરાયેલા નાણા વેપારીને પરત આપી દેવાનો નિયમ : એક ટીન નંબર લેવા માટે ૧૦ હજારની વસુલાત કરવામાં આવતી હતી

નવી દિલ્હી,તા. ૧૬: વેટના કાયદા હેઠળ લેવામાં આવેલા ટીન નંબર પેટે વસુલાત કરવામાં આવેલા ૧૦ હજારની રકમ બે વર્ષમાં પરત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. જયારે જીએસટી લાગુ થયાને ચાર વર્ષ કરતા વધુ સમય વિતી જતા છતાં હજુપણ સરકાર દ્વારા ટીન નંબર પેટે વસુલ કરવામાં આવેલા ૧૦ હજાર રૂપિયા પરત કરવામાં આડોડાઇ કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.

જીએસટી પહેલા રાજયમાં વેપારીઓએ વેટ વસુલ કરવામાં આવતો હતો. તે માટે વેપારીઓ ટીન નંબર લેતા હતા. ટીન નંબર લેવા માટે એક ટીન નંબર દીઠ રાજય સરકાર દ્વારા ૧૦ હજારની વસુલાત કરતા હતા. તેમજ વેપારીએ સતત બે વર્ષ સુધી વેટનુ રીટર્ન ભર્યું હોય તેવા કિસ્સામાં વેપારી પાસેથી ટીન નંબર લેવા માટે વસુલ કરાયેલા ૧૦ હજાર પરત કરી દેવાનો નિયમ બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ જુલાઇ ૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવતા વેપારીઓએ જીએસટી નંબર લીધો હતો. જેથી ટીન નંબર આપોઆપ જ બંધ થઇ જતો હોય છે. જેથી વેપારી પાસેથી વસુલ કરાયેલા ટીન નંબર પેટેના ૧૦ હજાર પરત કરવા માટે વેપારીઓએ અરજી કરી હોવા છતાં હજુ સુધી તેઓને ટીન નંબર પેટે વસુલ કરાયેલા નાંણા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. જો સરકાર દ્વારા આ નાણા છૂટા કરવામાં આવે તો વેપારીઓની છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવતી માંગણીનો અંત આવે તેમ છે. 

(9:52 am IST)