Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સિદ્ધુ પંજાબમાં કોંગ્રેસના કેપ્ટન રહેશે : રાહુલ ગાંધીને મળ્યા બાદ રાજીનામું પાછું ખેંચી લીધું

રાહુલ ગાંધીને પોતાની ચિંતાઓ જણાવી. અમે તેમને કહ્યું છે કે તેમની ચિંતાનું ધ્યાન રાખવામાં આવશે.

નવી દિલ્હી :  નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં કોંગ્રેસના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુએ રાજીનામું પાછું ખેંચી લીધું. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ છતાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવેલા સિદ્ધુએ નવા મુખ્યમંત્રી ચન્ની સામે નારાજગી બાદ રાજીનામું આપ્યું હતું. મુખ્ય હોદ્દા પર નિમણૂકોમાં દખલગીરી ન સ્વીકારવાને કારણે તે નારાજ હતા.

આની જાહેરાત કરતા પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે, 'તેમણે (સિદ્ધુ) રાહુલ ગાંધીને પોતાની ચિંતાઓ જણાવી. અમે તેમને કહ્યું છે કે તેમની ચિંતાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું કે તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમનું કામ કરવાનું ચાલુ રાખશે.

પંજાબ કોંગ્રેસમાં રાજકીય તણાવ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુનું વલણ ઢીલુ પડ્યુ છે. કોંગ્રેસના નેતૃત્વએ તેમના પ્રત્યેના કેટલાક વલણને પણ નરમ કરી દીધું છે, પરંતુ તેમને એવી પણ સૂચના આપવામાં આવી છે કે તેમણે કોઈ પણ સંજોગોમાં પાર્ટી લાઈનનું પાલન કરવું પડશે. સિદ્ધુએ ગુરુવારે સાંજે સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ અને પ્રદેશ પ્રભારી હરીશ રાવત સાથે કોંગ્રેસ મુખ્યાલય ખાતે બેઠક કરી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે ન તો સિદ્ધુ કોંગ્રેસ છોડીને ક્યાંય જઈ રહ્યા છે, ન તો કોંગ્રેસ તેમને પેવેલિયનમાં ટીમની બહાર બેસાડવા માંગે છે. આથી સિદ્ધુ પદ પર ચાલુ રહેશે.

હરીશ રાવતે આ બેઠક બાદ કહ્યું હતું કે નવજોત સિદ્ધુએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય તેમના દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવશે. પક્ષના નિર્દેશો સ્પષ્ટ છે કે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્ય કરવું જોઈએ અને સંગઠનાત્મક માળખું તૈયાર કરવું જોઈ ચન્ની સરકારે રાજ્યના ડીજીપી તરીકે ઇકબાલપ્રીત સિંહ સહોટાની નિમણૂક કરી હતી જ્યારે વરિષ્ઠ વકીલ એપીએસ દેઓલને એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા હતા. આ બંને નિર્ણયોથી સિદ્ધુ નારાજ હતા. આ જ કારણ છે કે તેમણે પ્રદેશ પ્રમુખના પદેથી અચાનક રાજીનામું આપીને હાઈકમાન્ડને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

(12:00 am IST)