Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

' વોટ કટવા' કહેતા ચિરાગ પાસવાન ધૂંધવાયો : કહ્યું-- હું પીએમ મોદીનો હનુમાન , દિલ ચીરી દેખાડી શકું છું.

લોજપના નેતા ભાજપના નામે લોકોમાં ભ્રમનું રાજકારણ ફેલાવી રહ્યા છે: ભાજપના નેતાનો આરોપ

પટણાઃ બિહારમાં ચૂંટણી જંગ જામ્યો છે. તાજેતરમાં નિધન પામેલા રામવિલાસ પાસવાનના પુત્ર અને લોજપના નેતા ચિરાગ પાસવાને કહ્યું કે તે પીએમ મોદીના હનુમાન છે. મોદી તેમના દિલમાં વસે છે, દિલ ચીરી દેખાડી શકું છું.

બિહારમાં લોજપે જદયુ-ભાજપ છાવણીનો સાથ છોડી દીધા બાદ બે મહાગઠબંધનોનો જંગ હવે કેન્દ્રમાં ભાજપના સાથી અને રાજ્યસ્તરે અલગ થઇ ગયેલા લોક જનશક્તિ પાર્ટી (લોજપ) સામેનો થઇ ગયો હોય તેવું લાગે છે. અત્યારે તો ભાજપ જોરદાર રીતે લોજપનો વિરોધ કરી રહ્યો છે.ભાજપ નેતાઓએ તો લોજપને ‘વોટ કટવા’ (મત કાપનારા) સુધી કહી રહી રહ્યા છે. સાથે એવો આરોપ મુકી રહ્યા છે કે લોજપના નેતા ભાજપના નામે લોકોમાં ભ્રમનું રાજકારણ ફેલાવી રહ્યા છે.

આ આક્ષેપ-પ્રતિઆક્ષેપની વચ્ચે લોજપ પ્રમુખ ચિરાગ પાસવાને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હનુમાન છું, તેઓ મારા દિલમાં વસે છે. હું દિલ ચીરીને દેખાડી શકું છું, મને તેમની તસવીર લગાડવાની જરુર નથી. જ્યારે ભાજપે ચિરાગ પાસવાન પર નિશાન સાધ્યું છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ ડાવડેકરે કહ્યું કે બિહાર ચૂંટણીમાં કોઇ B, C કે D ટીમ નથી. અમારી એક મજબૂત ટીમ છે.

ભાજપ, જદયુ, હિન્દુસ્તાન અવામ મોરચો (હમ) અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી), આ ચાર પક્ષોનું ગઠબંધન NDA બળપૂર્વક ચૂંટણી લડી રહ્યું છે. અમે ત્રણ ચતુર્થાંશ બહીમતીથી જીતીશું અને કોંગ્રેસ, રાજદ અને માલેના અપવિત્ર ગઠબંધનને હરાવીશું.”

જાવડેકરે કહ્યું કે ચિરાગની પાર્ટી વોટ કાપનારી પાર્ટી રહી જશે. ચૂંટણી પર બહુ વધારે અસર કરી શકશે નહીં. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ તેની સાથે દૂર-દૂર સુધી અમારો કોઇ સંબંધ નથી. ભ્રમનું રાજકારણ અમને પસંદ પણ નથી.

નોંધનીય છે કે લોજપ હજુ પણ કેન્દ્રમાં એનડીએની સાથે છે. તેના પ્રમુખ ચિરાગ પાસવાન ચૂંટણી પ્રચારમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરતા રહે છે. પરંતુ નીતીશકુમારને નિશાન બનાવે છે. તેના કારણે ભાજપ અને લોજપ વચ્ચે અંદરખાને સાંઠગાંઠ હોવાની ચર્ચા જોર પકડી રહી છે.

આ મામલે ભાજપના મહામંત્રી અને બિહારના પક્ષ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ટ્વીટ કરી સ્પષ્ટતા કરવી પડી છે કે વડાપ્રધાનના નામે ચિરાગ ભ્રમ સર્જી રહ્યા છે. બિહાર ચૂંટણીમાં અમારા NDA ગઠબંધનમાં લોજપને કોઇ સ્થાન નથી અમારુ ચાર પક્ષોનું ગઠબંધન છે. લોજપ તેનો હિસ્સો નથી.

તેમણે ટ્વીટ કરી કે ચિરાગે ભ્રમમાં રહેવું ન જોઇએ, ભ્રમ પાળવું અને ભ્રમ ફેલાવવું જોઇએ પણ નહીં.”ભૂપેન્દ્ર યાદવે ચિરાગને યાદ દેવડાવ્યું કે NDAમાં રહી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા છે.

તેમણે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે ફેબ્રુઆરીમાં ચિરાગ  દિલ્હીમાં બિહાર સરકારના વખાણ કરી રહ્યા હતા. પરંતુ અચાનક 6 મહિનામાં એવું તો શું થઇ ગયું કે હવે તેઓ બિહાર સરકાર પર નિશાન સાધી રહ્યા છે.તેમણે આરોપ મૂક્યો કે હવે તેઓ અંગત સ્વાર્થા ખાતર જૂઠનું રાજકારણ રમી રહ્યા છે.

નોંધનીય છે કે બિહાર વિધાનસભાની ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. 28 ઓક્ટોબરે 71, 3 નવેમ્બરે 94 અને 7 નવેમ્બરે 78 બેઠકો માટે મતદાન થશે. મતગણતરી 10 નવેમ્બરે અને તેજ દિવસે પરિણામ જાહેર કરાશે

(9:20 pm IST)