Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગરબા રમવા છાત્રોએ બનાવ્યો પીપીઇ કીટવાળો પોશાક

ગુજરાતમાં ઇતિહાસમાં પહેલીવાર ગરબા નહિ યોજાય પરંતુ આઇડીટીના છાત્રોએ ગરબા રમવા માટે એક પ્રોટેકટીવ પોશાક બનાવ્યોઃ આ અનોખો પોશાક કોરોના વોરિયર્સને સમર્પિત કરાશે : ગુજરાતમાં ગરબા નહિ યોજાવાથી વિવિધ વેપાર ઉદ્યોગને ૧૫૦ કરોડનંુ નુકસાન

નવી દિલ્હી તા. ૧૬ : ગુજરાતમાં પહેલીવાર નવરાત્રીમાં ગરબા નથી થવાના કોરોના મહામારીને કારણે આ વર્ષે નવરાત્રીનો તહેવાર ફીક્કો રહેશે. આવી સ્થિતિમાં ફેશન ડિઝાઇનીંગના છાત્રોના એક સમુહે એક ખાસ પ્રકારની ગરબા રમવાની કિટ તૈયાર કરી છે. સુરતમાં છાત્રોએ પીપીઇ કિટથી બનાવવામાં આવેલા પોશાકમાં ગરબા રમ્યા હતા. હાથથી થયેલ પેન્ટીંગ અને કાચનો ઉપયોગ કરી આ ડ્રેસને આકર્ષક બનાવવાનો પ્રયાસ થયો હતો. આ સિવાઇ માસ્ક અને દાંડીયાના ડિસ્પોઝેબલ કવર પણ બનાવાયા છે. એટલું જ નહિ છાત્રોએ દુપટ્ટો પણ ડિઝાઇન કર્યો છે. સુરતના વી.આર. મોલમાં આ ડ્રેસને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ સંસ્થાના ડાયરેકટર અનુપમ ગોહેલે જણાવ્યું હતું કે આ ડ્રેસને સિવિલના કોરોના વોરિયર્સને આપવામાં આવશે.

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આવતીકાલથી નવરાત્રી પર્વ રંગચંગે મનાવવામાં નહિ આવે. કોવિડ-૧૯ને કારણે કોઇ ગરબા નહિ રમાય પરંતુ ગરબા પ્રેમીઓએ ગરબા રમવા માટેનો તોડ કાઢયો છે. રાજ્યમાં પીપીઇ કીટવાળા ગરબાનો ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીથી લઇને અન્ય લોકોએ ગરબા દરમિયાન કોરોનાથી બચાવવાળો ડ્રેસ તૈયાર કર્યો છે. આ ડ્રેસ ખર્ચાળ પણ છે.

નવરાત્રી પૂર્વે ગઇકાલે આ ડ્રેસ રજૂ કરવામાં આવ્યો હતો. પીપીઇ કિટ જેવા આ ડ્રેસ પર પારંપરીક ગુજરાતી ડિઝાઇન બનાવવામાં આવી છે. આ પોષાક પ્લાસ્ટીકથી બનાવવામાં આવેલ છે. અમદાવાદના એક ડિઝાઇનરે કોરોના યુધ્ધાઓને સમર્પિત એક ગરબા ડ્રેસ તૈયાર કર્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે સરકારે ગરબા ઉપર પ્રતિબંધ મુકયો છે પરંતુ આ પોશાક ડોકટર્સ, નર્સ વગેરેને અર્પણ કરવામાં આવશે.

ગુજરાતમાં આ વર્ષે ગરબા સાથે જોડાયેલ આયોજન ન થવાને કારણે લગભગ અલગ-અલગ વ્યાપારને ૧૫૦ કરોડનું નુકસાન થવાની શકયતા છે.

(11:15 am IST)