Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શિલ્પા શેટ્ટીએ પોલીસને કહ્યું -રાજની પ્રવૃત્તિઓથી વાકેફ નહોતી કારણ કે તે તેના કામમાં વ્યસ્ત હતી

શિલ્પા શેટ્ટીને તેના જેલમાં બંધ પતિ રાજ કુન્દ્રા સામેના કેસમાં મુંબઈ પોલીસની ચાર્જશીટમાં સાક્ષી તરીકે નોંધવામાં આવી

મુંબઈ :બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને તેના જેલમાં બંધ પતિ રાજ કુન્દ્રા સામેના કેસમાં મુંબઈ પોલીસની ચાર્જશીટમાં સાક્ષી તરીકે નોંધવામાં આવી છે. રાજ પર પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઇલ એપ પર સ્ટ્રીમ કરવાનો આરોપ છે. 1400 પાનાની ચાર્જશીટ મુજબ શિલ્પાએ પોલીસને જણાવ્યું છે કે તે રાજની પ્રવૃત્તિઓથી વાકેફ નહોતી કારણ કે તે તેના કામમાં વ્યસ્ત હતી.

પોલીસે 45 વર્ષીય રાજ કુન્દ્રા પર આ એપ પર પોર્ન કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી "હોટશોટ" દૂર કરવામાં આવ્યા ત્યારે બીજી એપ "બોલીફેમ" લોન્ચ કરવામાં આવી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસમેન રાજે પોર્ન રેકેટ ચલાવવા માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિસરનો ઉપયોગ કર્યો હતો. રાજ કુન્દ્રાની આ વર્ષે 19 જુલાઈએ તેના કેટલાક કર્મચારીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાજના ચાર કર્મચારીઓએ આ કેસમાં તેની વિરુદ્ધ સાક્ષી બન્યા હોવાનું માનવામાં આવે છે.

મુંબઈ પોલીસ માને છે કે રાજ પોર્ન ફિલ્મોના નિર્માણમાં સક્રિયપણે સામેલ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની સામે મજબૂત ઈલેક્ટ્રોનિક પુરાવા હોવાનો દાવો પણ કર્યો છે. મુંબઈ પોલીસને પોર્ન ફિલ્મોના બદલામાં ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ મળ્યા છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ગયા વર્ષે ઓગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે પોર્ન ફિલ્મોના નિર્માણ અને તેમની ઓનલાઈન રિલીઝથી ઓછામાં ઓછા રૂ .1.25 કરોડની કમાણી કરી હતી.

(11:18 pm IST)