Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લેશે ૨૦ લાખ હિંદુ મતદારો

ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડનની છે તેમના પર નજર

વોશિંગ્ટન,તા.૧૬ : અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણી આડે હવે ૫૦ દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પ ભારતીય મૂળના મતદારોને રિઝવવામાં કોઇ કસર બાકી નથી રાખી રહ્યા, તો ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન પણ કમલા હેરિસ દ્વારા ભારતવંશી સહિત ઓફ્રો-અમેરિકી મૂળના મતદારોને પોતાની તરફેણમાં લાવવાની કસરત કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર છે જ્યારે બન્ને પાર્ટીઓ હિંદુ અમેરિકન મતદારોને રિઝવવાની ભરપુર કોશિષ કરી રહી છે.

ટ્રમ્પ કેંપે ''હિન્દુ વોઇસ ફોર ટ્રમ્પ'' અભિયાનની શરૂઆત કરી છે. તો બાઇડન કેમ્પ તરફથી ''હિંદુ અમેરિકન્સ ફોર બાઇડન''કેમ્પેઇન ચાલે છે. મીડીયા રિપોર્ટનું  માનવામાં આવે તો, અમેરિકાની ચુંટણીમાં ૨૦ લાખ હિંદુ મતદારો બહુ મહત્વની  ભૂમિકા ભજવશે. રાષ્ટ્રપતિની ચુંટણીમાં પરિણામો નક્કી કરનાર ઘણાં રાજ્યોમાં તેમની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય મૂળના અમેરિકન નેતા રાજ કૃષ્ણમૂર્તિનું કહેવું છે કે તેમણે પોતાના સમાજના લોકોને મતદાન કરીને પોતાના ધર્મનું પાલન કરવા માટે કહ્યું છે.

કૃષ્ણમૂર્તિ ઇલીનોઇસમાંથી ત્રણવાર ડેમોક્રેટીક સાંસદ બન્યા છે. તેમણે ''બાઇડન માટે અમેરિકન હિંદુ '' નામથી એક કેમ્પેઇન પણ શરૂ કર્યુ છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે તેમણે પોતાના સમાજના લોકોને ડીજીટલ સંબોધનમાં ડેમોક્રેટીક ઉમેદવાર બાઇડન અને કમલા હેરિસ માટે ૩ નવેમ્બરે મતદાન કરવાની અપિલ કરી છે. તેઓ જણાવે છે ''મને લાગે છે કે વસુધૈવ કુટુંબકમ હિંદુઓનું મુળ નૈતિક મૂલ્ય છે. અને આ કારણે બાઇડનને ચુંટવા જરૂરી છે'' તેમણે કહ્યું કે વોશિંગ્ટનમાં એક જૂની કહેવત છે કે જો તમારા માટે ડાઇનીંગ ટેબલ પર જગ્યા ન હોય તો તમે મેનુમાં સામેલ છો કોઇ હિંદુ મેનુમાં સામેલ થવાનું પસંદ નહીં કરે અને અમારો એ એજન્ડા પણ નથી એટલે તમારો મત અમને મળે તે બહુ જરૂરી છે.

(11:19 am IST)