Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

PSIનું કોરોનાથી મોતઃ તેમની બે પત્નીઓ વળતર માટે કોર્ટના દ્વારે

રકમ આપવાનો સમય આવ્યો ત્યારે મૃતક સબ-ઈન્સ્પેકટરની બીજી પત્નીથી જન્મેલી દીકરીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

મુંબઇ,તા.૧૬: હાલમાં જ બોમ્બે હાઈકોર્ટમાં એક અનોખો કેસ આવ્યો હતો. આ કેસ કંઈક એવો હતો કે જો પતિનું મૃત્યુ થઈ જાય અને તેણે બે લગ્ન કર્યા છે તો મૃત્યુ બાદ મળનાર સરકારી વળતરનો હકદાર કોણ હશે, પ્રથમ પત્ની કે બીજી પત્ની? મહારાષ્ટ્ર રેલવે પોલીસમાં કાર્યરત એક સબ-ઈન્સ્પેકટરનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. રાજય સરકારે કોરોનાની ડ્યુટી કરનાર સરકારી કર્મચારીઓ માટે રૂપિયા ૫૦ લાખના ઈન્સ્યોરન્સની જોગવાઈ કરી છે. આ કેસમાં ઈન્સ્યોરન્સ, પોલીસ વેલફેર ફંડ અને ગ્રેજયુઈટી એમ કુલ મળીને આ રકમ આશરે રૂપિયા ૬૫ લાખ હતી.

જયારે આ રકમ આપવાનો સમય આવ્યો ત્યારે મૃતક સબ-ઈન્સ્પેકટરની બીજી પત્નીથી જન્મેલી દીકરીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે કોર્ટને અપીલ કરી કે કોર્ટ તેને અને તેની માતાને દ્યર વિનાના થતા બચાવે અને આ માટે વળતરની રકમને પ્રમાણમાં વહેંચે.

જયારે મૃતકની પહેલી પત્નીની દીકરી વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં સામેલ થઈ અને તેણે એવો દાવો કર્યો કે તેને મૃતક સબ-ઈન્સ્પેકટરના બીજા લગ્ન વિશે તેને કોઈ જાણકારી નહોતી.

ત્યારબાદ બીજી પત્નીના વકીલે એવો દાવો કર્યો કે મૃતકની પહેલી પત્ની, બીજા લગ્ન વિશે જાણતી હતી અને મૃતક સબ-ઈન્સ્પેકટર બીજી પત્ની અને તેની દીકરી સાથે ધારાવીમાં રેલવે કોલોનીમાં રહેતા હતા. મૃતક સબ-ઈન્સ્પેકટરની બીજી પત્નીના વકીલે એક જાણીતી ન્યૂઝ વેબસાઈટને જણાવ્યા મુજબ મૃતક સબ-ઈન્સ્પેકટરના પ્રથમ લગ્ન વર્ષ ૧૯૯૨માં થયા હતા અને વર્ષ ૧૯૯૮માં તેમણે બીજા લગ્ન કર્યા હતા. તેમના વકીલના જણાવ્યા મુજબ બંને લગ્નનું રજિસ્ટ્રેશન હિન્દુ મેરેજ એકટ હેઠળ કરાયું હતું. અત્યાર સુધી આ કેસમાં વળતરની રકમ માત્ર વહેંચણી સુધી સીમિત હતી તેમાં હવે કયા લગ્ન માન્ય ગણાશે તે સમસ્યા ઊભી થઈ છે.

હિન્દુ મેરેજ એકટના સેકશન-૫ અનુસાર, લગ્ન સમયે વર અથવા કન્યા અગાઉથી પરિણીત હોવા જોઈએ નહીં. કોઈપણ મહિલા અથવા પુરુષ બીજા લગ્ન ત્યારે જ કરી શકે છે કે જયારે તેમના પ્રથમ લગ્ન રદ થઈ ચૂકયા હોય અથવા પ્રથમ પાર્ટનરનું મોત થઈ ચૂકયું હોય અથવા તેઓની વચ્ચે છૂટાછેડા થયા હોય.

આ કેસ પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર પ્રકાશ પાડતા બીજી પત્નીના વકીલે જણાવ્યું કે આ કેસમાં પ્રથમ પત્ની અને બંને લગ્નથી થયેલી દીકરીઓને વળતરનો ત્રીજો હિસ્સો મળશે. પરંતુ, પિતાના સ્થાને કોને નોકરી મળશે અને બીજા મુદ્દે બંને પરિવાર મળીને સેટલમેન્ટ કરી શકે છે. આ કેસમાં આગામી સુનાવણી તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ થશે.

(11:17 am IST)