Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઇ-કોમર્સ કંપનીઓનું સેલ આ મહિના અંતથી શરૂ થશે

એમેઝોન, ફિલપકાર્ટ, બીગ બાસ્કેટ વગેરે તહેવારોમાં ધૂમ વેચાણ કરવા આશાવાદીઃ ૪૦ થી ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે : તહેવારો ફળશે તેવી વેપાર જગતને આશા

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના સંકટ અને લોકડાઉનને કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે ઇ-કોમર્સ કંપનીઓ તહેવારો પહેલા જ સેલ શરૂ કરવાની તૈયારીમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જીયો માર્ટ આવવાથી એમેઝોન, ફિલપકાર્ટ, બીગ બાસ્કેટ, ગ્રાફર્સ સહિત તમામ ઇ-કોમર્સ કંપનીઓ પર પ્રેસર વધ્યું છે. તેને જોતા આ મહિનાના અંતિમ સપ્તાહથી તહેવારી સેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે દિવાળી સુધી એટલે કે નવેમ્બરના બીજા સપ્તાહ સુધી ચાલશે.

ઇ-કોમર્સ કંપનીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે તહેવારી સિઝન સેલ લાંબુ ચાલશે. તેની શરૂઆત કરિયાણાના સામાન સાથે શરૂ થશે. તે પછી ધીરે ધીરે ઇલેકટ્રોનિકસ અને હોમ એપ્લાયન્સને સામેલ કરવામાં આવશે.

તહેવારી સિઝનમાં માંગ વધવાથી ફિલપકાર્ટ ૭૦ હજાર નવી ભરતી શરૂ કરશે. એમેઝોન પણ નવી નોકરી આપવા તૈયાર છે.

વેપારીજગતને આવતા તહેવારી સિઝનને લઇને ઘણી આશાઓ છે. દશેરા, ઇદ, કળવા ચોથ, ધનતેરસ, દિવાળી, ભાઇબીજ, છઠ્ઠ પૂજાથી બજારમાં રોનક પાછી ફરશે. બજારનો માહોલ દશેરાથી બદલાઇ જશે. જે વ્યાપાર જગતમાં સંજીવનીનું કામ કરશે.

તહેવારોમાં ૪૦ થી ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવી શકયતા છે.

(10:27 am IST)