Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

IPL 2021 : રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવ્યું: ડેવિડ મિલરની ફિફટી અને ક્રિસ મોરીસની ફટકાબાજી

જયદેવ ઉનડકટે શરૂઆતમાં જ તોફાન સર્જ્યું : બંને ઓપનર સહીત 3 મહત્વની વિકેટ ઝડપી

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2021ની 7મી મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સની 3 વિકેટે જીત થઈ હતી. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. રાજસ્થાનના જયદેવ ઉનડકટે 3 મહત્વની વિકેટ ઝડપીને દિલ્હીને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે 51 રન કર્યા હતા. દિલ્હીએ 20 ઓવરના અંતે 8 વિકેટે 147 રન કર્યા હતા. જેના જવાબમાં 19.4 ઓવરમાં ક્રિસ મોરીસના છગ્ગા સાથે રાજસ્થાને જીત મેળવી હતી. ડેવિડ મિલરે 62 રનની ઈનીંગ રમી હતી.

દિલ્હીની માફક રાજસ્થાનની બેટીંગ પણ કંગાળ રહી હતી. એક બાદ એક વિકટ શરુઆતથી ગુમાવવા લાગતા રાજસ્થાન પર જાણે કે મુશ્કેલીના વાદળો ઘેરાઈ ગયા હતા. જોકે ડેવિડ મિલરે સ્થિતીને સંભાળીને રાજસ્થાનની બેટીંગ ઈનીંગની જવાબદારી ખભે લીધી હતી. શરુઆતની વાત કરવામાં આવે તો 17 રનના સ્કોર પર જ બંને ઓપનરો અને કેપ્ટન સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. 42 રનના સ્કોર પર તો અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. પરંતુ મેચને ડેવિડ મિલરની 43 બોલમાં 62 રનની ઈનીંગે જીવંત રાખી હતી.

જોસ બટલરે 2, મનન વહોરાએ 9, સંજૂ સેમસને 4, શિવમ દુબેએ 2, રિયાન પરાગ 2 અને રાહુલ તેવટીયા 19 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. આમ રાજસ્થાન માટે એક સમયે મિલરના ક્રિઝ પર હોવા લગી મેચમાં જીવ રહ્યો હતો. પરંતુ તેના આઉટ થતાં જ મેચ પરત દિલ્હીના પક્ષે સરકી ગઈ હતી. પરંતુ ક્રિસ મોરિસે શાનદાર પ્રયાસ વડે મેચને ફરીથી રાજસ્થાનના પક્ષે કરી હતી. 18 બોલમાં 4 છગ્ગા સાથે 36 રન ફટકારીને મોરિસે રોમાંચક જીત અપાવી હતી. જયદેવ ઉનડકટે તેને 11 રન સાથે જીતનો સાથ પુરાવ્યો હતો.

આવેશ ખાને 4 ઓવર કરીને 32 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેણે ડેવિડ મિલર ઉપરાંત શિવમ દુબે અને રિયાન પરાગની વિકેટો ઝડપી હતી. ક્રિસ વોક્સે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વોક્સે બંને ઓપનરોને ઝડપથી પેવેલિયન પરત મોકલ્યા હતા. કાગિસો રબાડાએ સંજૂ સેમસન અને તેવટીયાની વિકેટો ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને 3 ઓવર કરીને 14 આપ્યા હતા. ટોમ કરને 3.4 ઓવર કરીને 35 રન આપ્યા હતા. તે વિકેટ ઝડપવામાં સફળ રહી શક્યો નહોતો.

 

શરુઆતથી જ દિલ્હીની જાણે કે બેટીંગ ખરાબ રહી હતી. કેપ્ટન ઋષભ પંત અને લલિત યાદવ સિવાય જાણે કે કોઈ ક્રિઝ પર ઉભુ રહી શકતુ જ નહોતુ. ઉનડકટની બોલીંગનો સામનો કરવામાં નિષ્ફળ પૃથ્વી શો 2 રન, શિખર ધવન 9 રન અને અજીંક્ય રહાણે 8 રન કરીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ઋષભ પંતે લગાતાર બીજી મેચમાં જબરદસ્ત બેટીંગ કરી હતી, તેણે 32 બોલમાં 51 રન કર્યા હતા.

આ દરમ્યાન તેણે 9 ચોગ્ગા લગાવ્યા હતા. જોકે તે રન આઉટ થઈ વિકેટ ગુમાવી બેઠો હતો. માર્કસ સ્ટોઈનીશ શૂન્ય રનમાં જ આઉટ થયો હતો. જ્યારે લલિત યાદવ 20 રન કરીને ક્રિસ મોરિસનો શિકાર બન્યો હતો. ટોમ કરને 16 બોલમાં 21 રન કર્યા હતા. આર અશ્વિન 7 રન કરીને રન આઉટ થયો હતો. ક્રિસ વોક્સ 15 રને અને કાગિસો રબાડા 9 રને અણનમ રહ્યા હતા.

જયદેવ ઉનડકટે જાણે કે શરુઆતમાં જ તોફાન સર્જી દીધુ હતુ. તેણે દિલ્હીના બંને ઓપનર સહિત મહત્વની ત્રણ વિકેટ ઝડપીને દિલ્હીને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા. મુસ્તફિઝુર રહેમાને 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ 4 ઓવર કરીને 33 રન આપ્યા હતા, તેને આજે વિકેટ નસિબ નહોતી થઈ શકી. ક્રિસ મોરિસે 3 ઓવર કરીને એક વિકેટ મેળવી હતી.

(12:22 am IST)