Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ખેડૂતો ઘમંડી સરકાર સામે હક માટે સત્યાગ્રહ કરે છે : રાહુલ ગાંધી

ખેડૂતો-ઈંધણના ભાવના મુદ્દે બહાર આવવા અપીલ : કોંગી નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર કોંગ્રેસના કેમ્પેઈન સ્પીકઅપ ફોર કિસાન અધિકારમાં જોડાવા અપીલ કરી

નવી દિલ્હી, તા. ૧૫ : મોદી સરકાર સામે ખેડૂતોના સત્યાગ્રહમાં સહયોગ આપવા માટે અપીલ કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું કે, ખેડૂતોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન તેમજ ઈંધણના વધી રહેલા ભાવના મુદ્દે લોકોએ ખુલીને બહાર આવવાની જરૂર છે. કોંગ્રેસ દ્વારા આ દિવસને કિસાન અધિકાર દિવસ તરીકે મનાવી રહ્યો છે અને તે તમામ રાજ્યોના પાટનગરમાં વિરોધ પ્રદર્શન સાથે કૂચ યોજશે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર કોંગ્રેસ પાર્ટીના કેમ્પેઈન સ્પીકઅપફોરકિસાનઅધિકારમાં જોડાવા અપીલ કરતા કહ્યું કે, દેશના ખેડૂતો ઘમંડી મોદી સરકાર સામે પોતાના હક માટે સત્યાગ્રહ કરી રહ્યા છે. સમગ્ર દેશ કિસાનો પર થઈ રહેલા અત્યાચારો અને પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે અવાજ ઉઠાવી રહ્યો છે. તમે પણ આ ચળવળમાં જોડાઈ શકો છો અને સત્યાગ્રહનો ભાગ બની શકોછો.

ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો નવા તબક્કાની આજે બેઠક યોજવાના છે ત્યારે જ કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં અને ભાવવધારાના મુદ્દે ચળવળ શરૂ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે.

(12:00 am IST)