Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કોર્પોરેટ સેકટર સ્ટાફના વેલનેસ પાછળ એક રૂપિયો ખર્ચે એ સામે માલિકોને ૧૩૨.૩૩ રૂપિયાનો ફાયદો થાય

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશના અડધા કરતા વધુ કોર્પોરેટ કર્મચારીઓ જણાવે છે કે તેમની કંપનીઓ તેમના માટે કોઈ સ્વાસ્થ્ય સંબંધી વેલનેસ કાર્યક્રમનું આયોજન કરતી નથી. કોર્પોરેટ વેલનેસ પ્રોગ્રામને કારણે કર્મચારીઓના ગેરહાજર રહેવાના પ્રમાણમાં લગભગ એક ટકાનો ફરક પડતા દેશની આવકમાં વીસ અબજ ડોલર (અંદાજે ૧૨૬૮ અબજ રૂપિયા)ની બચત થઈ શકે છે એમ અસોચેમ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જણાયુ છે. આ સર્વેમાં એફએમસીજી, મીડીયા, આઈટી-આઈટીઝ અને રિયલ એસ્ટેટના કર્મચારીઓને આવરી લેવાયા હતા.

બાવન ટકા કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે 'તેમની કંપનીઓ કર્મચારીઓ માટે કોઈ પ્રકારના વેલનેસ કાર્યક્રમ ચલાવતી નથી, જ્યારે બાકીના કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે તેમની કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા વેલનેસ પ્રોગ્રામમાં સુધારાઓ કરવાની જરૂર છે.'

કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા વેલનેસ કાર્યક્રમને લીધે કર્મચારીઓની જુની માંદગી કાબુમાં લાવી શકાય છે. તેમજ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરીને બીમારીઓ મહદંશે નિવારી શકાય છે.

કર્મચારીઓના વેલનેસ પ્રોગ્રામ પર કરેલા એક રૂપિયાના ખર્ચ સામે માલિકોને ૧૩૨.૩૩ રૂપિયાનો ફાયદો થઈ શકે છે એમ આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લગભગ ૮૩ ટકા કર્મચારીઓએ વેલનેસ કાર્યક્રમ માટે તેમના પગારમાંથી રકમ ફાળવવા તૈયારી બતાવી હતી, જ્યારે ૧૭ ટકા કર્મચારીઓ આવા કાર્યક્રમમાં ભાગ પણ લેવા ઈચ્છતા નથી. આઈટી-આઈટીઝ સેન્ટરના ૯૩ ટકા અને એફએમસીજી સેકટરના ૭૫ ટકા કર્મચારીઓનું માનવુ છે કે આવા કાર્યક્રમો કર્મચારીઓને પ્રોત્સાહીત કરે છે જ્યારે એફએમસીજી સેકટરના પચીસ ટકા કર્મચારીઓ માને છે કે આવા કાર્યક્રમો હતાશા જન્માવે છે.

(4:53 pm IST)