Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ટેકસ ચોરીની શંકામાં દરોડા બાદ હીરા ઉદ્યોગ ઠપ્પ

સુરત - મુંબઇનો આંગડિયા વ્યવહાર ખોરવાયોઃ ગ્લોબલ માર્કેટમાં ડિમાન્ડ વધી

કલકત્તા તા. ૧૬ : આ મહિનાની શરૂઆતમાં ટેકસ ચોરીમાં શકમાં ઓથોરિટીઝે પાડેલા દરોડા પછી આંગડિયાઓ અને કૂરિયરનું કામ અટવાઈ જતા દેશના પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ લગભગ બંધ પડી ગઈ છે. મુંબઈથી સુરત રફ ડાયમન્ડ લઈ જવાના અને સુરતથી મુંબઈ પોલિશ્ડ ડાયમન્ડ લાવનારા આંગડિયાઓએ સરકાર તરફથી સ્પષ્ટ સૂચના ન મળે ત્યાં સુધી કામ શરૂ ન કરવાનો નિર્ણય કર્યો છે જેની ખરાબ અસર બિઝનેસ પર પડી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) અને સેન્ટ્રલ એકસાઈઝ ડિપાર્ટમેન્ટે ૪ જાન્યુઆરીએ મુંબઈમાં મળીને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયા ૮૫ આંગડિયાઓને ઝડપવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ઊંચી કિંમત વાળા ૧૦૪૨ પાર્સલ જપ્ત કરવામાં આવ્યા હતા.

જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું, 'આંગડિયાઓ વિરુદ્ઘ કાર્યવાહીને કારણે એકસપોર્ટ ઠપ્પ થઈ ગયો છે. દરોડાને કારણે હીરા ઉદ્યોગ અને આંગડિયા પેઢીઓને ઘણુ નુકસાન થયુ છે.' મુંબઈના GSTના કમિશનર કે.એન રાઘવને જણાવ્યું કે, 'જે પાર્સલ માટે યોગ્ય ડોકયુમેન્ટ્સ હતા તેને રીલીઝ કરી દેવામાં આવ્યા હતા. જો કોઈ વ્યકિત દસ્તાવેજ સાથે આવે તો અમે તરત જ તેનુ પાર્સલ રીલીઝ કરી દઈશું. પરંતુ જો તેમની પાસે દસ્તાવેજ ન હોય તો ડ્યુટી ચૂકવીને પાર્સલ છોડાવવુ પડશે. કોઈ ખોટી રીત અપનાવશે તો અમે હસ્તક્ષેપ કરીશું. આ કારણે વેપારીઓએ વધુ સતર્ક થઈ જવુ જોઈએ.'

આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જયારે ગ્લોબલ માર્કેટમાં હીરાની માંગ વધી છે. ડિસેમ્બર ૨૦૧૭માં કટ અને પોલીશ્ડ ડાયમન્ડની નિકાસ ૭.૬૮ ટકા વધીને ૧૫૯.૨૩ કરોડ ડોલર રહી હતી જે એક વર્ષ પહેલા ૧૪૭.૮૭ કરોડ ડોલર જેટલી હતી. ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં કટ અને પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ ૧.૮૫ ટકા વધીને ૧૭૧૯.૬૪ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૧૬૮૮.૪૩ કરોડ ડોલર હતી.

ડાયમન્ડના વેપારીઓએ જણાવ્યું કે આંગડિયા રોજ સુરતથી મુંબઈ ૧૦૦૦ પાર્સલ અને મુંબઈથી સુરત ૧૦૦૦ પાર્સલ લઈ આવે છે. સુરત ડાયમન્ડ કટિંગ અને પોલિશિંગનું હબ છે જયારે મુંબઈ ડાયમન્ડ ટ્રેડિંગનું મોટુ કેન્દ્ર છે. અહીંથી ગ્લોબલ માર્કેટમાં પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ કરવામાં આવે છે. GJEPC ના ચેરમેન પંડ્યાનું કહેવુ છે કે દરોડામાં કેટલાય દિવસ પછી હજુ સુધી એ નથી ખબર પડી કે દરોડા કેમ પાડવામાં આવ્યા, કઈ સત્તા હેઠળ દરોડા પાડવામાં આવ્યા અને કયા નિયમનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.

GJEPCના પૂર્વ ચેરમેન વિપુલ શાહે જણાવ્યું કે તેમનું એક પાર્સલ પણ દરોડામાં પકડાયુ હતુ પરંતુ ડોકયમેન્ટ દેખાડ્યા પછી તેમને એ પાછુ મળી ગયુ હતુ. તેમનું કહેવુ છે કે યોગ્ય ડોકયુમેન્ટ હોય તો કોઈ સમસ્યા નડતી નથી.

(1:05 pm IST)