Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર હતું તેથી હું ગાયબ થઇ ગયો'તોઃ ડો. તોગડિયાનો ધડાકો

રાજસ્થાન પોલીસની ધરપકડ કરવા માંગતી હતીઃ ગાયબ થવાનું આ પણ એક કારણઃ ભાવુક ચહેરે ડો. તોગડિયાની પત્રકારો સાથે વાતચીત : મારા રૂમમાં આવીને કોઇએ કહ્યું તમારું એન્કાઉન્ટર કરવા લોકો આવ્યા છે અને હું સુરક્ષા જવાનોને કહીને એકલો જ વીએચપી કાર્યાલયથી નીકળી ગયો : સેન્ટ્રલ આઇબી હિંદુ એકતાને તોડવા તથા મને દબાવવા અને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, બોલતા બોલતાં ડો. તોગડિયા રડી પડયા : રિક્ષામાં બેસી જયપુર જવા એરપોર્ટ તરફ જઇ રહ્યો હતો ત્યારે બેહોશ બની ગયો રાજસ્થાનથી પોલીસ મારી ધરપકડ કરવા આવી તેની ત્યાંના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન કે આઇજીને પણ ખબર ન હતી મને ડરાવવા કોણ પ્રયાસ કરે છે તે સમય આવે પુરાવા સાથે જણાવીશ

અમદાવાદ તા. ૧૬ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા ગઇ કાલે સવારે ગુમ થયા બાદ રાત્રે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આજે સવારે ડો.પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદ બોલાવી તેમનું એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને તેમને ડરાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પત્રકાર પરિષદ સંબોધતા તેઓ રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે મારો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરો જીવન રહે કે ન રહે રામ મંદિર, ગૌ રક્ષા માટે હું એકલો લડતો રહીશ.

ડો.પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મારા અવાજને દબાવવાનો સંભવ પ્રયાસ થઇ રહ્યો છે. હિન્દુઓની એકતા, રામ મંદિર બનાવવા, ગૌ હત્યા પર પ્રતિબંધ જેવા મારા પ્રયાસોને દબાવવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ આઇબી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, દેશભરનાં ૧૦,૦૦૦ ડોકટરો જે મેં તૈયાર કર્યા છે તેઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંગે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. મારા વિરુદ્ઘમાં દેશભરમાં કાનૂન ભંગના વર્ષો જૂના કેસો ખોલવામાં આવી રહ્યા છે જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. જે અંગે ગુજરાતનાં મુખ્યપ્રધાન અને ગૃહ રાજયપ્રધાનને મેં પૂછ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રવિવારે તેઓ મોડી રાત્રે મુંબઇથી પરત ફર્યા હતા અને રાત્રે ર-૩૦ કલાકે પોલીસને આવવા કહ્યું હતું. ગઇકાલે સવારે હું રૂમમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે એક વ્યકિત આવી હતી અને તેણે જણાવ્યું હતું કે ડોકટર સાહેબ તાત્કાલીક તમે કાર્યાલય છોડી દો તમારું એન્કાઉન્ટર કરવા કેટલાક લોકો આવ્યા છે. તેઓએ તે વ્યકિતને જણાવ્યું હતું કે હું એન્કાઉન્ટરથી ડરતો નથી ત્યારબાદ હું વીએચપી કાર્યાલયની બહાર આવ્યો હતો.

બહાર બે પોલીસવાળા બેઠા હતા દરમ્યાનમાં મારા મોબાઇલ ફોન પર ફોન આવ્યો હતો કે, સોલા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન પોલીસનો કાફલો આવ્યો છે અને ગુજરાત પોલીસની મદદ લઇ નીકળી રહ્યો છે. કંઇક દુર્ઘટના થશે તો દેશભરમાં સમસ્યા ઊભી થશે તેવી ભીતિથી હું માત્ર એક પૈસાનું પાકીટ લઇ શાલ ઓઢી કાર્યાલયથી પોલીસને હું આવું છું તેમ કહી નીકળી ગયો હતો.

કાર્યાલયની બહારથી હું એક કાર્યકર્તા સાથે રિક્ષામાં થલતેજ જવા નીકળ્યો હતો. રસ્તામાં મેં રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અને ગૃહરાજય પ્રધાનને ફોન કરી તેમની ધરપકડ માટે પોલીસ આવી છે કે કેમ તે અંગે પૂછ્યું હતું. રાજસ્થાન સરકારે તેઓની ધરપકડ માટે પોલીસ આવી ન હોવાનું જણાવ્યું હતું. વાતચીત કર્યા બાદ તેઓએ લોકેશન ટ્રેસ ન થાય તે માટે મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો.

બાદમાં તેઓ રિક્ષામાં થલતેજ ખાતે તેમના એક મિત્રના ઘેર ગયા હતા અને ત્યાંથી અન્ય ફોન પર રાજસ્થાનના વકીલ સાથે આ અંગે વાતચીત કરી હતી. વકીલેે મને જણાવ્યું હતું કે, ન્યાય પ્રક્રિયા છે જેથી તમે કોર્ટમાં હાજર થઇ જાવ. ન્યાય પ્રક્રિયાને અનુસરવા હું એકલો જયપુરની ફલાઇટમાં જઇ કોર્ટમાં હાજર થઇશ તેવું નક્કી કરી રિક્ષામાં બેસી થલતેજ અન્ડરબ્રિજ તરફ નીકળ્યો હતો. રસ્તામાં મને ધ્રુજારી અને ચક્કર આવ્યા હતા તેથી મેં બાપુનગર ધન્વંતરી હોસ્પિટલમાં જવા રિક્ષાવાળાને જણાવ્યું હતું. જોકે રાત્રે હું હોસ્પિટલમાં છું તેવું મારા ધ્યાનમાં આવ્યું હતું.

ડો.પ્રવીણ તોગડિયાએ વીએચપીના કાર્યકર્તાઓને અપીલ કરી કહ્યું હતું કે શાંતિ જાળવો અને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેશો. ડોકટરની સંમતી બાદ હું ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીશ. ગુજરાત પોલીસ પર તેઓએ સવાલ ઉઠાવ્યા હતા કે હું ગુનેગાર નથી તો તેઓ શા માટે મારા રૂમનું સર્ચ વોરંટ લઇને આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, મારી ગુજરાત સરકાર કે રાજસ્થાન સરકાર કે પોલીસ સામે કોઇ ફરિયાદ નથી. તમને ડરાવવા કોણ પ્રયાસ કરી રહ્યું છે તેવો પ્રશ્ન પૂછાતાં ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે સમય આવે પુરાવા સાથે જણાવીશ.

ડો. પ્રવીણ તોગડિયાના ગુમ થવાના મામલે આજે સવારે અનેક ખુલાસા થવા પામ્યા છે. ગઈ કાલ સવારથી જ ગુમ થયેલા ડો. પ્રવીણ તોગડિયા ગઈ કાલે રાત્રે કોતરપુર નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. ગઈ કાલે સવારે તેઓ પાલડી ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં જ કામ કરતી ધીરૂભાઈ કપૂરિયા નામની વ્યકિત સાથે રિક્ષામાં બેસીને ગયા હોવાનું બહાર આવ્યું છે, જોકે અત્યાર સુધીની તપાસમાં પ્રવીણ તોગડિયાના બે મોબાઈલ ફોન અને બે બેગ ગુમ થયેલાં હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં ડો. પ્રવીણ તોગડિયા ધીરૂભાઇ કપૂરિયા સાથે નીકળ્યા હતા. બંને સીધા ધીરૂભાઈના ઘરે પહોંચ્યા હતા, જયાં ધીરૂભાઈએ કલીનસેવ કરી હતી. બાદમાં બંને તેમના અન્ય મિત્ર ઘનશ્યામ કપૂરિયાના ઘરે ગયા હતા. ઘનશ્યામના ઘરેથી ત્રણેય એકસાથે કોઈ કામ અર્થે નીકળ્યા હતા.

સાંજે પ્રવીણ તોગડિયાએ તેમના શરીરમાં ઠંડી અને ધ્રુજારીની ફરિયાદ કરતાં ઘનશ્યામે ડો. પ્રવીણ તોગડિયાના ડ્રાઈવરના હેડ નિકુલને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. ખુદ ડો. પ્રવીણ તોગડિયાએ સિવિલ હોસ્પિટલની જગ્યાએ ચંદ્રમણિ હોસ્પિટલ ખાતે લઈ જવા જણાવ્યું હતું, જેથી ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે તેમને તાત્કાલિક ચંદ્રમણિ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું ચંદ્રમણિ હોસ્પિટલના ડોકટર અને ડો. પ્રવીણ તોગડિયા બંને સાથે એમબીબીએસનો અભ્યાસ કરતા હતા. હાલમાં પોલીસે ઘનશ્યામ, નિકુલ અને ૧૦૮ના કર્મચારી સહિતના લોકોનાં નિવેદન લીધાં છે. પોલીસ દ્વારા ડો. પ્રવીણ તોગડિયા સોમવાર સવારથી ગુમ થયા ત્યાંથી લઈ રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા ત્યાં સુધીની તમામ તપાસ કરવામાં આવશે તેમજ તેમનો મોબાઈલ ફોન ગુમ હતો તે અંગે, ઝેડ પ્લસ સિકયોરિટી હોવા છતાં તેઓ એકલા કેમ ગયા, કઈ કઈ જગ્યાએ તેઓ ગયા હતા અને મોબાઈલ ફોન શા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો તે અંગેની તમામ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે. કે. ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંદ્રમણિ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જયાં તેઓએ ડો. પ્રવીણ તોગડિયાની પૂછપરછ કરી હતી. ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના પી. સી. સ્વામી, વિશ્વ હિદુ પરિષદના નેતાઓ તેમજ દિનેશ બામણિયા હોસ્પિટલ ખાતે પ્રવીણ તોગડિયાના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રવીણ તોગડિયા કયાં ગયા હતા તેમજ ધીરુભાઇ કપૂરિયાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(2:51 pm IST)