Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અફઘાનિસ્તાનથી લઇ મ્યાનમાર સુધીનો DNA એક જ, આપણે સમાન પૂર્વજોના વંસજઃ ભાગવત

મોહન ભાગવતે ફરી એકવાર ડીએનએનો મુદ્દો ઉખેળ્યો

નવી દિલ્હી તા. ૧૬ : રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ફરી એકવાર ડીએનએનો મુદ્દો ઉખેળ્યો હતો. સરસંઘચાલકે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનથી લઈને શ્રીલંકા સુધીના લોકોનો ડીએનએ એક સરખો જ છે. આ ખાસિયત જ અહીંના લોકોને ભારત સાથે જોડી રાખે છે.

અગાઉ ગત વર્ષે મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં રહેનારા તમામ લોકો હિન્દુ છે. ત્રિપુરામાં હિન્દુ સમ્મેલનને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારતનું પ્રાયોજન દુનિયાને સતમાર્ગે લાવવાનું છે. પરંતુ ભારતે જો તે કામ ના કર્યું તો જવાબદાર કોણ? ભારતનો ભાગ્ય વિધાતા કોણ? આખી દુનિયા હિન્દુ સમાજને પ્ર' કરશે કે, તમે હિન્દુ ભારતવર્ષમાં પરંપરાથી રહેતા આવ્યા છો, દુનિયામાં તમારો પોતાનો બીજો કોઈ દેશ નથી.

હવે ફરી એકવાર આરએસએસના અધ્યક્ષ મોહન ભાગવતે હિન્દુના ડીએનએક મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનથી લઈને બર્મા સુધી અને તિબેટથી લઈને શ્રીલંકા સુધી જેટલા પણ જનસમુહ છે, તેટલા તમામ જનસમુહનો ડીએનએ જણાવે છે કે તેમના પૂર્વજ એક સરખા છે. જે આપણને બધાને જોડનારી બાબત છે. આપણે સમાન પૂર્વજોના વંશજ છીએ.

છત્તિસગઢની રાજધાની રાયપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે ઉમેર્યું હતું કે, સતાવવામાં આવેલા હિન્દુ આખી દુનિયામાંથી ભારત આવે છે અને ભારતની સરકાર પણ કહે છે કે, પ્રતાડનાનો ભોગ બનેલાઓને અમે આશ્રય આપીશું, અહીંથી કાઢીશું નહીં, કારણ કે આ હિન્દુઓનો દેશ છે. જયાં સુધી હિન્દુસ્તાનમાં હિન્દુ સમાજની સંખ્યા પ્રબળ રહેશે ત્યાં સુધી ભારત એક રહેશે. પહેલા અફઘાનિસ્તાનથી લઈને બર્મા (મ્યાનમાર) સુધીનો આખો વિસ્તાર હિન્દુસ્તાન હતું. આજે દેશ આટલો નાનો એટલા માટે બની ગયો કારણ કે જયાં પણ હિન્દુત્વની ભાવના ક્ષીણ થઈ કે પછી હિન્દુ સમાજનું સંખ્યાબળ ઘટ્યું તે વિસ્તાર ભારતથી અલગ થઈ ગયો.

(10:53 am IST)