Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ચીફ જસ્ટીસે રચી બંધારણીય પીઠઃ ૪ વિદ્રોહી જ્જોને જગ્યા નહી

આઠ જેટલા મહત્વના કેસ માટે ચીફ જસ્ટીસનાં વડપણમાં પાંચ ન્યાયધીશોની બંધારણીય પીઠની રચનાની જાહેરાતઃ પત્રકાર પરિષદ યોજનાર જ્જોના નામ તેમાં સામેલ નથીઃ આધાર, શબરીમાલા, પારસી મહિલા, સમલૈંગિક, કેન્દ્ર-દિલ્હી સરકાર વચ્ચે ટક્કર, અપરાધામાં સામેલ સાંસદોને અયોગ્ય ઠેરવવા કે નહિ એ બધા કેસની નવી પીઠ કાલથી કરશે સુનાવણી

નવી દિલ્હી તા.૧૬ : ભારતના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાએ ટોચની અદાલતમાં દેશના આઠ મહત્વના મામલાઓની સુનાવણી માટે બંધારણીય પીઠની રચના કરી હતી. આધાર, કલમ-૩૭૭ જેવા મહત્વના મામલા પર સુનાવણી માટે પાંચ સભ્યોની બંધારણીય પીઠની રચના કરી છે. જો કે ન્યાયપાલિકાની કાર્ય પ્રણાલી પર નારાજગી વ્યકત કરનાર ચારેય જ્જ જે.ચેલામેશ્વર, રંજન ગોગોય, એમ.બી.લોકુર અને કુરીયન જોસેફને આ બંધારણીય પીઠમાં સામેલ કરવામાં આવ્યા નથી.

સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ પીઠનું અધ્યક્ષપદ મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા કરશે. આ સિવાય જસ્ટીસ સિકરી, ખાનવીલકર, ચંદ્રચુડ અને અશોક ભુષણને આ ખંડપીઠના સભ્ય બનાવાયા છે. ગયા વર્ષે ૧૦ ઓકટોબર બાદથી આ જ્જોની બેન્ચે અનેક મહત્વના મામલાની સુનાવણી કરી હતી. આ મામલામાં કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે વહીવટી અધિકાર અને ઇચ્છા મૃત્યુ સાથે મામલા જોડાયેલા હતા. આ વખતે પણ આ જ્જોની પીઠ દેશના મહત્વના મામલા જેમ કે, આધાર કાનૂનની બંધારણીય કાયદેસરતાને પડકારતો કેસ અને વયસ્કો વચ્ચે સહમતીથી સમલૈંગિક સંબંધ જેવા મામલા પર સુનાવણી થશે. આ સિવાય આ પીઠ કેરળના શબરીમાલા મંદિરમાં ૧૦ થી પ૦ વર્ષની મહિલાઓના પ્રવેશ અને કોઇ પારસી મહિલા કોઇ અન્ય ધર્મના વ્યકિત સાથે લગ્ન કરે તો શું તે પોતાની ધાર્મિક ઓળખ ગુમાવી દેશે ? આ મામલાને પણ આ બેન્ચ સાંભળશે. મહિલાઓના વ્યાભિચાર અને કોઇ સાંસદ કોઇ કેસનો સામનો કરતા હોય તો તેમને અયોગ્ય ઠેરવવા કે નહી આ મામલાની પણ આ પીઠ સુનાવણી કરશે. આ પહેલા આ બધા મામલા પર ફેસલા માટે સુપ્રિમની મોટી બેન્ચ પાસે મોકલાતા હતા.

મહત્વની વાત એ છે કે આ પીઠમાં પત્રકાર પરીષદ યોજી ચીફ જસ્ટીસ પર સવાલ ઉઠાવનારા ચારેય જ્જોના નામ નથી. નવી બંધારણીય પીઠ ૧૭મીથી અનેક મામલાની સુનાવણી પર કરશે. આ દરમિયાન અદાલતના સુત્રોએ કહ્યુ છે કે એ બાબતની પુષ્ટી નથી થઇ કે ચીફ જસ્ટીસે એ ચાર ન્યાયધીશો સાથે મુલાકાત કરી છે કે નહી ?

 

(10:17 am IST)