Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૫ વર્ષમાં ડિજિટલ એજ્યુકેશન આપતી થશે દેશની તમામ સ્કૂલ

CBAEની મીટીંગમાં લેવાયા મહત્વના નિર્ણયોઃ ૯માં ધોરણથી મળવું જોઇએ કરિયર કાઉન્સિલિંગ

નવી દિલ્હી તા. ૧૬ : સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશન (CABE)ની મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં દેશભરમાં 'ઓપરેશન ડિજિટલ બોર્ડ' લોન્ચ કરવામાં આવશે. ૫ વર્ષની અંદર તમામ સ્કૂલોમાં ડિજિટલ માધ્યમથી એજયુકેશન આપવાની યોજના છે.

HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારની સાથે જ CSR અને કોમ્યુનિટીને પણ શામેલ કરવામાં આવશે. મીટિંગમાં મોરલ સાયન્સ અને સ્પોર્ટ્સને કેરિકયૂલમનો હિસ્સો બનાવવા પર પણ ભાર અપાયો છે.

CABEની મીટિંગમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચન આપ્યું કે, ૯મા ધોરણથી સ્ટુડન્ટ્સને કરિયર કાઉન્સિલિંગ આપવું જોઈએ. સાથે જ કહ્યું કે, સ્કૂલ બસોમાં મહિલા ડ્રાઈવર અને હેલ્પરની નિયુકિત થવી જોઈએ. મેનકાએ કહ્યું કે, સ્ટુડન્ટ્સને અલગ-અલગ ધર્મો પ્રત્યે વધુ ટોલરન્ટ બનાવવા માટે પહેલાની જેમ મોરલ સાયન્સના કલાસ શરૂ થવા જોઈએ. આ ઉપરાંત તમામ ધર્મોના ધાર્મિક પુસ્તકો અંગે પણ તેમને જ્ઞાન આપવું જોઈએ જેથી તેઓ એકબીજાના ધર્મોને જાણી શકે તથા તેની પ્રશંસા કરી શકે.

સોશિયલ જસ્ટિસ મિનિસ્ટર થાવર ચંદ ગેહલોતે ડો.ભીમરાવ આંબેડકરના 'પંચ તીર્થ'ને અભ્યાસક્રમમાં શામેલ કરવા માટે સૂચવ્યુ.

બીજી તરફ સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજયવર્ધન રાઠોરે કહ્યું કે, ફિટનેસ અને સ્પોર્ટ્સને સ્કૂલના અભ્યાસક્રમનો ભાગ બનાવવા જોઈએ.

HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 'આઉટ ઓફ સ્કૂલ' બાળકોને સ્કૂલ સુધી લાવવા માટે સપ્ટેમ્બરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાનો પણ નિર્ણય લેવાયો છે.

તેમણે કહ્યું કે , જૂન-જુલાઈ સુધીમાં બાળકો સ્કૂલમાં એડમિશન લે છે. ત્યારબાદ જો કોઈ બાળક એવું હોય જેનું એડમિશન ન થયું હોત તો તેની ઓળખાણ કરવામાં આવશે અને જન પ્રતિનિધિ તથા અધિકારી તેને એડમિશન લેવા માટે પ્રેરિત કરશે. જાવડેકરે કહ્યું કે, આ દિશામાં ગુજરાતે સારું કામ કર્યું છે.(૨૧.૧૬)

 

(10:12 am IST)