Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ડાકાના પ્રોગ્રામને રદ્દ કરતો જે વહીવટી હૂકમ બહાર પાડેલ તેને કેલીફોર્નિયાના યુ.એસ. ડિસ્‍ટ્રીક્‍ટ જજ વિલીયમ્‍સ અલસયે પોતાના એક હૂકમ દ્વારા જ્‍યાં સુધી તેનો નિકાલ ન આવે ત્‍યાં સુધી અમલ મુલત્‍વી રાખવા જણાવ્‍યું: અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે નામદાર ન્‍યાયમૂર્તિના હૂકમને ભયંકર ગણાવ્‍યો અને પોતાના એક ટ્‍વીટમાં કોર્ટની સિસ્‍ટમ તૂટેલી અને અયોગ્‍ય હોવાનું જણાવ્‍યું: હવે આ કેસનો ચૂકાદો ન આવે ત્‍યાં સુધી તમામ કાર્યવાહી મુલત્‍વી રહેવાની સંભાવનાઃ કોંગ્રેસના નેતાઓએ દ્વિપક્ષી તરીકે પગલા ભરવાના રહેશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : કેલિફોર્નિયાના યુ.એસ. ડિસ્‍ટ્રીક્‍ટ જજ વિલીયમ્‍સ એલસયે ગયા મંગળવારને જાન્‍યુઆરી માસની ૯મી તારીખે પોતાના એક હૂકમ દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૨ના વર્ષ દરમ્‍યાન ડીફર્ડએકસન ફોર ચાઇલ્‍ડ હૂડ એરાયવલ્‍સ પ્રોગ્રામ એક વહીવટી હૂકમ દ્વારા બહાર પાડેલ કે જે સમગ્ર અમેરિકામાં ડાકા પ્રોગ્રામના નામે ઓળખાય છે તેને હાલના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસની પાંચમી તારીખથી રદ્દ કરતા જે વટહૂકમ બહાર પડેલ તેનો અમલ હાલ તુર્ત મોકૂફ રાખવા જણાવેલ છે અને તેના કારણોમાં જાણવા મળે છે તેમ પ્રમુખે ડાકા પ્રોગ્રામ રદ્દ કરતો જે વહીવટી હૂકમ બહાર પાડેલ તેને આ અદાલતમાં પડકારવામાં આવેલ છે અને જ્‍યાં સુધી આ કેસનો અંતિમ ચૂકાદો ન આવે ત્‍યાં સુધી તમામ પ્રકારની કાર્યવાહી મોકૂફ રાખવા હૂકમ બહાર પાડેલ છે. આથી આઠ લાખ લોકો કે જેમણે આ પ્રોગ્રામનો લાભ મેળવેલ તે લોકોમાં આનંદની લાગણી પ્રસરી રહેલી જોવા મળે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જ્‍યારે અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટણીમાં ઝંપલાવેલ તે વેળા તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રજાને સ્‍પષ્‍ટપણે જણાવેલ કે, જો પોતે પ્રમુખ તરીકે ચૂંટાઇ આવશે તો ડાકાના પ્રોગ્રામને રદ્દ કરશે અને તે આધારે તેમણે ગયા સપ્‍ટેમ્‍બર માસની પાંચમી તારીખે એક વહીવટી હૂકમ બહાર પાડીને તેને રદ્દ કરવાની જાહેરાત કરી હતી અને આગામી છ માસના સમયગાળા દરમ્‍યાન એટલે ૨૦૧૮ના વર્ષના માર્ચ માસની પાંચમી તારીખ દરમ્‍યાન કોંગ્રેસને એક સંયુક્‍ત ઇમીગ્રેશન બીલ તૈયાર કરવા જણાવેલ છે અને તેની મુદ્દત પાંચમી માર્ચના રોજ પૂર્ણ થાય છે.

વ્‍હાઇટ હાઉસના સત્તાવાળાઓએ નામદાર ન્‍યાયમૂર્તિએ જે ચૂકાદો આપ્‍યો તેને ભયંકર ગણાવ્‍યો હતો અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાના એક ટ્‍વીટમાં જણાવ્‍યું હતું કે કોર્ટની સિસ્‍ટમ તૂટેલી અને અયોગ્‍ય છે.

અમેીરકાના પ્રમુખના પ્રેસ સેક્રેટરી સરાહ હલબી સેન્‍ડર્સે આ અંગે જણાવ્‍યું હતું કે પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હંમેશા કાયદાકીય પદ્ધતિમાં માને છે અને બંને પક્ષોના સભ્‍યો સાથે મળીને ગયા વહીવટી તંત્રે જે ગેરબંધારણીય માર્ગ અપનાવેલ છે તેને સુધારવાનો પ્રયાસ હાથ ધરશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જે ડાકાનો પ્રોગ્રામ રદ્દ કર્યો હતો તેને કાયદાની અદાલતમાં પાંચ જુદી-જુદી રીતે પડકારવામાં આવેલ છે પરંતુ નોર્ધન ડિસ્‍ટ્રીક્‍ટ ઓફ કેલિફોર્નિયાની કોર્ટમાં તેને એકત્રિત કરવામાં આવેલ છે. જે પાંચ જુદા-જુદા કેસો કરવામાં આવેલ છે, તેમાં (૧) સ્‍ટેટ ઓફ કેલિફોર્નિયા (૨) ધી રીજીન્‍ટસ ઓફ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (૩) સિટી ઓફ એન હોર્સ અને અન્‍ય ડાકા પ્રોગ્રામનો લાભ મેળવનારાઓ મુખ્‍ય છે.

ટેક્ષ રાજ્‍યની સાથે અન્‍ય દસ રાજ્‍યોના વહીવટકર્તાઓએ સંયુક્‍તપણે આ પ્રોગ્રામના કાયદેસરપણા અંગે અદાલતમાં પડકાર ફેંક્‍યો હતો અને તેઓની ધાકને લઇને પ્રમુખે ડાકા પ્રોગ્રામને સપ્‍ટેમ્‍બરમાં રદ્દ કર્યો હતો.

(9:21 pm IST)