Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા કિનારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ

પ્લાસ્ટિક ચીજોનો ઉપયોગ કરી શકાશે નહીં : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો અતિમહત્વનો હુકમ જારી થયો

નવીદિલ્હી, તા.૧૫ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (એનજીટી)એ આજે વધુ એક મોટો નિર્ણય કર્યો હતો. એનજીટીએ હરિદ્વાર, ઋષિકેશમાં ગંગાના કિનારે રહેતા વિસ્તારોમાં પ્લાસ્ટિકથી બનેલી ચીજો પર પ્રતિબંધ મુકી દીધો છે. આમા પ્લાસ્ટિક કેરી બેગ, પ્લેટ અને કટલરીની ચીજોનો સમાવેશ થાય છે. એનજીટીના ચેરમેન જસ્ટિસ સ્વતંત્રકુમારના નેતૃત્વમાં બનેલી બેંચે ઉત્તર કાશી સુધી આ ચીજોના વેચાણ, નિર્માણ અને ભંડારણ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. એનજીટીના આ ઓર્ડરનો ભંગ કરનાર પર ૫૦૦૦ રૂપિયાનો દંડ લાગૂ કરવામાં આવશે. આના માટે જવાબદાર અધિકારીઓ સામે પણ આક્રમક પગલા લેવામાં આવશે. ગંગા નદી પ્રદૂષિત થતાં રોકવા માટે આ પહેલને ઉપયોગી ગણવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, એનજીટીએ હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગઇકાલે જ અમરનાથ મામલામાં સ્પષ્ટીકરણ જારી કર્યું હતું. અમરનાથને લઇને જય જયકાર અને મંત્રોચ્ચાર પર પ્રતિબંધના પરિણામ સ્વરુપે ભાજપના વિરોધ બાદ એનજીટીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમરનાથમાં કોઇ સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો નથી. શ્રદ્ધાળુઓ માટે માત્ર કેટલીક સૂચના જારી કરવામાં આવી છે જેના ભાગરુપે શ્રદ્ધાળુઓને શિવલિંગની સામે શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. આ ગુફાના બીજા કોઇ હિસ્સામાં લાગૂ થશે નહીં. આ રીતે એક તરફની લાઇન રાખવામાં આવશે. એનજીટીએ કહ્યું છે કે, આ મુદ્દે ગુફાની પ્રવિત્રતાને ધ્યાનમાં લઇને જારી કરવામાં આવ્યો છે. આરતી અને અન્ય કોઇ વિધિ ઉપર કોઇ નિયમો લાગૂ કરવામાં આવ્યા નથી. અત્રે નોંધનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ યાત્રા ઉપર જય જયકાર, મંત્રોચ્ચાર પર પ્રતિબંધ મુકી દીધો હતો. બીજી બાજુ આને લઇને દેશભરમાં ભાજપમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું.

(8:19 pm IST)