Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

એકઝીટ પોલના તારણો ખોટા સાબિત થશે : કોંગ્રેસે દાવો કર્યો

ગુજરાતની પ્રજાને ભરમાવવા ભાજપની ચાલબાજી : ૧૨૪ સીટ મેળવવાનો દાવો : ગુજરાત કોંગ્રેસ નેતાઓએ જિલ્લા પદાધિકારીઓ, હોદ્દેદાર સાથે તાકીદની બેઠક કરી

અમદાવાદ, તા.૧૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તાજેતરમાં એકઝીટ પોલમાં ભાજપને વિજયી બતાવતા અને ફરીથી ભાજપની સરકાર બનવાના તારણોને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ વખોડી કાઢયા હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ આજે ગુજરાત  પ્રદેશ કોંગ્રેસની કચેરી ખાતે સ્થાનિક નેતાઓ, જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ, હોદ્દેદારોની એક તાકીદની બેઠક યોજી પરિણામોની સ્થિતિની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું હતું. બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને ૧૨૪ જેટલી બેઠકો મળશે તેવો દાવો કર્યો હતો, સાથે સાથે તેમણે તમામ એકઝીટ પોલને ખોટા અને પ્રજાને ગેરમાર્ગે દોરનારા હોવાનું જણાવી ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતની પ્રજાને ભરમાવવા ભાજપની આ ચાલબાજી છે પરંતુ કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ગઇકાલે વિવિધ ચેનલો દ્વારા કરાયેલા સર્વે અને એકઝીટ પોલના તારણો જાહેર થયા હતા, જેમાં ભાજપને ૧૧૦થી ૧૧૫ બેઠકો અને કોંગ્રેસને ૭૧થી ૭૫ જેટલી બેઠકો મળવાની ધારણા વ્યકતક કરવામાં આવી હતી. એકઝીટ પોલના તારણોએ આ વખતે ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બની રહી હોવાની સ્થિત પણ સ્પષ્ટ કરી હતી. જેને પગલે ભાજપે પોતાની સરકાર બની રહી હોવાના દાવા કર્યા હતા તો બીજીબાજુ, આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા તાબડતોબ સ્થાનિક નેતાઓ, જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ, હોદ્દેદારોની એક તાકીદની બેઠક યોજી પરિણામોની સ્થિતિની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું હતું. બેઠકમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જિલ્લા કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો પાસેથી બંને તબક્કામાં થયેલા મતદાન, પરિણામો વિશેનું ફીડબેક, તેમના વિસ્તારોમાં પ્રજાનો ઝોક સહિતના મુદ્દે અભિપ્રાય અને મંતવ્યો જાણ્યા હતા. સમીક્ષા અને મૂલ્યાંકન બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, એકઝીટ પોલ ખોટા અને પ્રજાને ગેરમાર્ગે દોરનારા છે. ગુજરાતમાં કોંગ્રેસ કુલ ૧૨૪ જેટલી બેઠકો મેળવશે, જેમાં પ્રથમ તબક્કામાં ૬૧ અને બીજા તબક્કામાં ૬૩ બેઠકો કોંગ્રેસને મળવાની શકયતા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે વિકાસ સહિત પ્રજાના પ્રાણપ્રશ્નોના મુદ્દાઓને બદલે પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિતના મુદ્દાઓને લઇ મુદ્દાઓથી ભટકીને રાજનીતિ કરી છે અને ગુજરાતની પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ગુજરાતની પ્રજાએ મક્કમ અને અડગ રહી કોંગ્રેસની તરફેણમાં જબરદસ્ત રીતે મતદાન કર્યું છે અને તેથી આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. દરમ્યાન કોંગ્રેસપક્ષના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે પણ એકઝીટ પોલને ખોટા ગણાવતાં જણાવ્યું હતું કે, એકઝીટ પોલની વિશ્વસનીયતા પર જ સવાલ છે કારણ કે, બપોરે એકઝીટ પોલ તૈયાર થઇ ગયા અને સાંજે પાંચ વાગ્યા સુધી તો મતદાન ચાલ્યું છે. મતદાન પૂર્ણ થયું કે, તરત જ એકઝીટ પોલના તારણો જારી થઇ ગયા. જો આ તારણો સાચા હોય તો બેઠકો બતાવો..? બતાવો કે કોંગ્રેસ કઇ બેઠક ગુમાવી રહી છે અને ભાજપ કઇ જીતી રહી છે ? વાસ્તવમાં તેમાં કોઇ તથ્ય નથી. ગુજરાતની પ્રજાએ આ વખતે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસને જીતાડી સત્તામાં લાવવાની છે.

(8:19 pm IST)