Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ હવે સરકાર ચુકવશે : કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

ડિજિટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવાના હેતુસર નિર્ણય : ૨૦૦૦ રૂપિયા સુધીના ડિજિટલ ટ્રાન્ઝિક્શન ઉપર એમડીઆરની ચુકવણી બે વર્ષ સુધી સરકાર કરશે : પહેલી જાન્યુઆરીથી સુવિધા અમલી બની જશે

નવીદિલ્હી, તા. ૧૫ : ડિજિટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવાના હેતુસર મોદી સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો જેના ભાગરુપે ૨૦૦૦ રૂપિયા સુધીના ડિજિટલ ટ્રાન્ઝિક્શન પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નો બોજ બે વર્ષ સુધી સરકાર ઉઠાવશે. આ સુવિધા પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી અમલી કરવામાં આવનાર છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે માહિતી આપતા કહ્યું હતું કે, ડિજિટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર બેંકો અને વેપારીઓને એમડીઆરની ચુકવણી કરશે. ડેબિટ કાર્ડ, આધાર મારફતે પેમેન્ટ, યુપીઆઈ (ભીમ એપ) મારફતે પેમેન્ટ કરવાની સ્થિતિ આ રકમ પરત કરશે. મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ એક કમિશન છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્ઝિક્શન સેવા માટે દુકાનદાર બેંકને આપે છે. કાર્ડ ટ્રાન્ઝિક્શન માટે પોઇન્ટ ઓફ સેલ મશીન બેંક દ્વારા મુકવામાં આવે છે. બેંક દ્વારા એમડીઆર તરીકે કમાણી કરવામાં આવેલી રકમમાંથી કાર્ડ જારી કરનાર બેંક અને કેટલાક હિસ્સા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ જેમ કે, વિઝા, માસ્ટર કાર્ડ અથવા એનપીસીઆઈને આપવામાં આવે છે. આ ચાર્જના કારણે દુકાનદારો કાર્ડથી પેમેન્ટ કરવા પર ખચકાટ અનુભવ કરે છે. એમડીઆરને રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આ વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરે તે માટે એક કમિટિ બનાવવામાં આવી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝિક્શન માટે ઝડપી ગતિ લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૭માં ડેબિટ કાર્ડથી બે લાખ ૧૮ હજાર ૭૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. આ હિસાબથી આ નાણાંકીય વર્ષના અંત સુધી આ કારોબાર ચાર લાખ ૩૭ હજાર કરોડ સુધી પહોંચી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર દેશમાં ડિજિટલ ઇકોનોમીને એક ટ્રિલિયનના સ્તર સુધી લઈ  જવા ગ્લોબલ પ્લેયર્સ સાથે વાત કરી રહી છે. વર્ષ ૨૦૧૨થી ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝિક્શન પર ૦.૭૫ ટકા એમડીઆર નક્કી કર્યું છે. જ્યારે ૨૦૦૦ રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝિક્શન પર એક ટકા એમડીઆર લેવામાં આવે છે. થોડાક દિવસ પહેલા જ રિઝર્વ બેંકે એમડીઆર રેટમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી તેને અમલી કરવામાં આવશે. ૨૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક કારોબાર વાળા નાના કારોબારીઓ માટે એમડીઆર ચાર્જ ૦.૪૦ ટકા રહેશે જેમાં પ્રતિ સોદા ચાર્જ ૨૦૦ રૂપિયા રહેશે. ૨૦ લાખથી વધારેનો કારોબાર છે તો એમડીઆર ૦.૯૦ ટકા આપવાની ફરજ પડશે.

(7:51 pm IST)