Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચૂંટણી પરિણામમાં છૂપાયેલો છે ૨૦૧૯નો સંકેત

મોદીનો વિજય રથ રોકવો પડકાર બની જશેઃ પાટીદારોનો અસંતોષ કોંગ્રેસને નહીં ફળે?

નવી દિલ્હી તા. ૧૫ : ગુજરાતમાં ગુરુવારે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી એકિઝટ પોલનાં તારણો આવી રહ્યાં છે, તમામ એકિઝટ પોલ મુજબ છેલ્લાં ૨૨ વર્ષથી સત્તા પર રહેલા ભાજપને ફરી એક વાર વધુ પાંચ વર્ષ માટે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મળી શકે છે. આમ ગુજરાતમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે અને કોંગ્રેસને ફાયદો થવા છતાં સત્તા તેના માટે જોજનો દૂર રહેશે તેવું અનુમાન છે. રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ બની રહ્યા છે, અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી હવે વધારે દૂર નથી, ત્યારે ગુજરાતનું પરિણામ ૨૦૧૯માં થનારી ચૂંટણી પર મોટી અસર કરશે તેમ મનાઈ રહ્યું છે.

ગુજરાતને પીએમ મોદીએ મોડેલ રાજય બનાવ્યા પછી તેમના માટે ગુજરાતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહી હતી. બીજી તરફ પાટીદાર આંદોલન પછી સત્તા હાંસલ કરવા કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ આખા દેશની નજર ગુજરાતની ચૂંટણી અને તેનાં પરિણામો પર મંડાયેલી છે ત્યારે એકિઝટ પોલ મુજબ કુલ ૧૮૨ સીટોની વિધાનસભામાં ભાજપને ૧૦૮ સીટો પર વિજય સાથે બહુમતી મળી શકે છે.

સરકાર રચવા માટે અહીં જાદુઈ આંકડો ૯૨નો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર વચ્ચે કોંગ્રેસને ફકત ૭૪ સીટોથી સંતોષ માનવો પડશે તેવી ધારણા છે. તમામ અગ્રણી મીડિયા સંસ્થાઓના એકિઝટ પોલમાં ભાજપાને ગુજરાત અને હિમાચલમાં બહુમત મળતી દેખાય રહી છે. હિમાચલમાં કોંગ્રેસને પોતાની સત્તા ગુમાવી પડી શકે છે અને ભાજપા મોટી જીત નોંધાવી શકે છે. ૨૦૧૯ પહેલાં આ પરિણામ ખૂબ જ અગત્યના સાબિત થઇ શકે છે.

જો એકિઝટ પોલ જેવા જ બંને રાજયોમાં પરિણામ નીકળે છે તો ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક મોટી સફળતા હશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને જોતા ભાજપાના વિજય રથને રોકવા કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ માટે મોટો પડકાર બની જશે. ગુજરાતમાં પાટીદાર આંદોલન, ૨૨ વર્ષનું શાસન, જીએસટી, અને નોટબંધી જેવા મુદ્દાઓ પર વેપારી વર્ગની નારાજગી બાદ પણ ભાજપા જો મોટી જીત નોંધાવે છે તો પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપાનું કદ વધુ વધી જશે.

એકિઝટ પોલ મુજબ પાટીદારોના અસંતોષ અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓનો મોટો લાભ કોંગ્રેસને મળશે નહીં તેવું જણાઈ રહ્યું છે, જોકે ૨૦૧૨ની સરખામણીમાં તેને ૧૩ સીટનો ફાયદો થશે જયારે ભાજપને ૭ સીટોનું નુકસાન થવાની શકયતા છે. ૨૦૧૨માં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ સીટો મળી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાની ઔપચારિક જાહેરાત પહેલાં ગુજરાતમાં પાર્ટીની હાર કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી માટે મોટી નિરાશા બની શકે છે. રાહુલે ગુજરાત ચૂંટણી દરમિયાન સતત રાજયમાં પોતાની સક્રિયતા બનાવી રાખી હતી. જોકે, મોટાભાગના પોલમાં કોંગ્રેસના પ્રદર્શનમાં મામૂલી પણ સુધારાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જો પાર્ટી બંને રાજયોમાં સત્તામાં પાછી ફરવામાં સફળ રહી તો રાહુલના નેતૃત્વક્ષમતા અને ભવિષ્ય પર પ્રશ્ન ઉઠવા- સ્વાભાવિક છે.

(3:51 pm IST)