Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

છોટા શકીલ ત્રણ મહિનાથી પાકિસ્તાનમાં નથી

પાકિસ્તાનની બહાર છોટા શકીલ કયા દેશમાં છે તે અંગે હાલમાં માહિતી મળી નથી : ઘટનાક્રમ પર ચાંપતી નજર

મુંબઇ,તા. ૧૫: વર્ષ ૧૯૯૩ના મુંબઇ બ્લાસ્ટ બાદ દાઉદ ઇબ્રાહિમ પોતાના પરિવારની સાથે પાકિસ્તાન ફરાર થઇ ગયો હતો. તે વખતે તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ ફરાર થઇ ગયા હતા. જેમાં છોટા શકીલનો પણ સમાવેશ થાય છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે શકીલ હાલના દિવસોમાં પાકિસ્તાનમાં નથી. ડી કંપનીમાં હાલમાં ફુટ પડી ગયા બાદ શકીલ પાકિસ્તાનમાં નથી તે સમાચાર મોટા છે. ભારત માટે રાહતના સમાચાર પણ છે. દરમિયાન એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે તેને ત્રણ મહિના પહેલા ત્યાં છેલ્લી વખત જોવામાં આવ્યો હતો. જો કે પાકિસ્તાનની બહાર તે ક્યા ંદેશમાં છે તે સંબંધમાં હાલમાં માહિતી મળી શકી નથી. ભારતીય ગુપ્તચર સંસ્થાઓ તમામ માહિતી મેળવી લેવાના પ્રયાસો કરી રહી છે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે શકીલે દાઉદ સાથે ખેંચતાણના કારણે પાકિસ્તાન છોડી દીધુ છે કે કેમ તે બાબત હજુ પાકી નથી. અન્ય કારણો પણ પાકિસ્તાન છોડવા માટેના હોઇ શકે છે. તે વર્ષમાં અનેક વખત બીજા દેશોમાં જતો રહે છે. આ વખતે પણ કોઇ કારણસર વિદેશમાં ગયો હોય તેવી શક્યતા છે.તેના કેટલાક સંબંધી પાકિસ્તાનમાં છે અને અમેરિકામાં છે. બે વર્ષ પહેલા તે અમેરિકામાં સગા સંબંધીને મળવા માટે અમેરિકા ગયો હતો. વચ્ચેના ગાળામાં તે કેટલાક દિવસ સુધી ઓસ્ટ્રેલિયામાં પણ રોકાયો હતો. છોટા રાજન એ વખતે ત્યાં રહેતો હતો.

એમ માનવામાં આવે છે કે હાલમાં જેની ધરપકડ કરવામાં આવી છે તે શખ્સે છોટા રાજનના સંબંધમાં માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ તે ઇન્ડોનેશિયામાં ઝડપાઇ ગયો હતો. હાલમાં છોટા શકીલ ક્યાં ઇરાદાથી બહાર ગયો છે. તે સંબંધમાં માહિતી મળી શકી નથી. જો કે છોટા શકીલે હાલમાં દાઉદ સાથે કોઇ સંબંધ તુટ્યા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તેને કહ્યુ છે કે ડી કંપનીના બોસ તરીકે દાઉદ જ હાલમાં છે. તેના નિવેદનથી ભારે ચર્ચા પણ છે.

(3:38 pm IST)