Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચૂંટણી જંગને સુપ્રિમમાં લઇ જતી કોંગ્રેસ

એકઝીટ પોલથી કોંગ્રેસ ચિંતાતુરઃ ર૫% મતોની તપાસની માંગ :૧૮મીએ મત ગણતરી દરમિયાન ઓછામાં ઓછા રપ ટકા વીવીપેટ સ્‍લીપને ઇવીએમ સાથે ક્રોસ વેરીફાઇ કરવામાં આવેઃ કોંગ્રેસની સુપ્રિમમાં માંગણી : ઇવીએમમાં જે વોટ પડયા છે તેનુ મેળવણું વીવીપેટની સ્‍લીપ સાથે કરવામાં આવેઃ કપિલ સિબ્‍બલ અને અભિષેક મનુ સીંઘવીએ મામલાને પડકાર્યો

નવી દિલ્‍હી તા.૧પ : ગઇકાલે ભાજપની તરફેણમાં આવેલા તમામ એકઝીટ પોલ બાદ અને ગુજરાતના ચૂંટણી પરિણામો આવે તેના ૩ દિવસ પહેલા કોંગ્રેસે ચૂંટણી યુધ્‍ધને સુપ્રિમ કોર્ટમાં પડકારતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગણી કરી છે કે ૧૮ ડિસે.ના રોજ મત ગણતરી દરમિયાન ઓછામાં ઓછા રપ ટકા વીવીપેટ ચીઠ્ઠીઓને ઇવીએમની સાથે ક્રોસ વેરીફાઇ કરવામાં આવે. ટીવી રિપોર્ટ અનુસાર અરજીમાં

જણાવાયુ છે કે ઇવીએમમાં જે વોટ પડયા છે તેનુ મેળવણુ વીવીપેટ એટલે કે વોટર વેરીફાઇડ પેપર ઓડીટ ટ્રેલની ચીઠ્ઠીઓ સાથે કરવામાં આવે. આ અરજી ઉપર આજે બપોરે સુનાવણી શરૂ થઇ છે. કોંગ્રેસ તરફથી સીનીયર વકીલ કપિલ સિબ્‍બલ અને અભિષેક મનુ સીંઘવી દલીલો કરી રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે મતદાન સમાપ્‍ત થયા બાદ મોટાભાગના એકઝીટ પોલ્‍સમાં ગુજરાતમાં ભાજપનો વિજય થશે એવુ અનુમાન લગાવવામાં આવ્‍યુ છે. જો કે કોંગ્રેસે હજુ સુધી ચૂંટણીમાં સીધી રીતે ઇવીએમને લઇને કોઇ સવાલ નથી ઉઠાવ્‍યો પરંતુ પાટીદાર નેતા હાર્દિક પટેલે ઇવીએમમાં ગરબડની આશંકા દર્શાવતા કહ્યુ હતુ કે, એકઝીટ પોલ્‍સમાં ભાજપનો વિજય એટલા માટે બતાડવામાં આવી રહ્યો છે કે પરિણામ આવવા પર ઇવીએમ પર સવાલ ઉભા કરવામાં ન આવે. તેઓએ ગઇકાલે સાંજે આ બાબતને લઇને ટવીટ કર્યુ હતુ. હવે કોંગ્રેસ સુપ્રિમ કોર્ટમાં ગઇ તેનાથી ઇવીએમમાં કથિત ગરબડનો મુદો ફરી એક વખત ગરમાવો લાવે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે આ પહેલા યુપીની ચૂંટણીમાં ભાજપના બમ્‍પર વિજય બાદ ઇવીએમમાં ખામીનો મુદો ઉઠયો હતો. બસપા અને આપ સહિત અનેક વિપક્ષોએ ઇવીએમમાં ગરબડનો આરોપ મુકયો હતો. આપે એમ પણ કહ્યુ હતુ કે, ઇવીએમને સરળતાથી હેક કરી શકાય છે. જો કે ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા હતા.

આજે કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં જઇને કહ્યુ છે કે વીવીપેટની રપ ટકા ચીઠ્ઠીઓના મતોનું મેળવણુ થવુ જોઇએ. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના પ્રથમ અને બીજા ચરણના મતદાનમાં અનેક સ્‍થળેથી ઇવીએમમાં ખરાબીના અહેવાલો આવ્‍યા હતા. સાથોસાથ વિપક્ષ સતત એ બાબત ઉઠાવે છે કે ઇવીએમ સાથે છેડછાડ થઇ રહી છે. ચૂંટણી પંચને મળેલી ફરિયાદમાં રાજકોટ પુર્વ વિધાનસભા મત વિસ્‍તારમાં ઇવીએમ મશીનો સાથે છેડછાડની વાત જણાવવામાં આવી હતી.

 

(3:05 pm IST)