Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

એકઝીટ પોલ બાદ બુકીબજારમાં મોટી અફડાતફડી

વિજયભાઇ રૂપાણીના ર૭ પૈસા, અલ્પેશ અને લવીંગજી બંનેના ૯૦ પૈસાઃ નીતિન પટેલના પ૦ પૈસા, પબુભા ૪પ પૈસા વિક્રમ માડમ ૩પ પૈસા : ચૂંટણી સમયે ભાજપને ૧૦૯-૧૧૧ બેઠક હતી, બીજા તબક્કાની ચૂંટણી પહેલા ૯૧-૯૩ બેઠક થઇ અને હવે ૧૧૦ બેઠકોની ધારણા : કોંગ્રેસને બુકીબજારે પ્રારંભે ૭૧-૭૩ બેઠક બાદ વધીને ૮પ-૮૭ થઇ અને હવે પાછા ૭૧-૭૩ બેઠક

રાજકોટ તા.૧પ : ગઇકાલે બીજા તબક્કાના મતદાન બાદ ટીવી ચેનલોના એકઝીટ પોલ આવતા જ બુકીબજારમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપની ૯૧-૯૩ બેઠકો અને કોંગ્રેસની ૮પ-૮૭ બેઠકોની ધારણા ફાઇનલ બુકીબજારે ભાજપને ફેવરીટ કરી ૧૦૧ થી ૧૦૩ બેઠકના ભાવો કાઢયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જીતનો ભાવ મધરાત્રે માત્ર ર૭ પૈસા થઇ ગયો હતો.

નાયબ મુખ્યમંત્રીની જીતનો ભાવ બુકીબજારે પ૦ પૈસા કાઢયો છે. પબુભાના ૪પ પૈસા, વિક્રમ માડમના ૩ર થી ૩પ પૈસા અશોક લાલ (જામનગર)ના ૮૦ થી ૯૦ પૈસા જયારે અલ્પેશ ઠાકોર અને ભાજપના લવીંગજીના ૯૦-૯૦ પૈસા છે એટલે કે કોઇપણ જીતી શકે છે.

બુકીબજારે ગુજરાતની ચૂંટણી જાહેર થઇ ત્યારે ભાજપને ૧૦૯ થી ૧૧૧ બેઠકોનો અંદાજ મુકયો હતો. જયારે પ્રથમ તબક્કાની ચૂંટણી પુરી થતા ભાજપની જીત તરફ શંકા દર્શાવી ધીમે-ધીમે બીજા તબક્કાની ચૂંટણીની આગલી રાત્રે ૯૧ થી ૯૩ બેઠક ભાજપ જીતશે તેવો અંદાજ કર્યો હતો પરંતુ બીજા તબક્કાનું મતદાન પુરૂ થતા અને ચેનલોના એકઝીટ પોલ બાદ ફરી હાલ ૧૦૧ થી ૧૦૩ બેઠકો બુકીબજારે આપી છે.

કોંગ્રેસની વાત કરીએ તો ચૂંટણી જાહેર થઇ ત્યારે બુકીબજારે કોંગ્રેસની ૭૧ થી ૭૩ સીટ મળશે તેવો અંદાજ કાઢી ભાવો જાહેર કર્યા હતા. જે પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ અને બીજા તબક્કાની ચૂંટણીની આગલી રાત્રે ધીમે-ધીમે ૮પ થી ૮૭ સીટ સુધીની ધારણા અને ભાવ બંધાયા હતા.

બુકીબજારે જો કે કોંગ્રેસની સત્તા આવશે તેવુ અનુમાન કયારેય રાખ્યુ જ નથી કેમ કે બીજા તબક્કાના મતદાનની પુર્વ સંધ્યાએ પણ કોંગ્રેસને ૮પ થી ૮૭ બેઠકો આપી હતી એટલે કે બુકીબજારના મતે ચૂંટણી જાહેર થઇ ત્યારથી લઇને બીજા તબક્કાના મતદાન બાદ પણ ફેવરીટ ભાજપ જ રહ્યુ હતુ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ભાવ ૩પ પૈસા ખુલ્યો હતો. જે એક તબક્કે ૪પ થી પ૦ પૈસા થયો હતો અને બીજા તબક્કાના મતદાન પુર્વ તે ૪પ પૈસા રહ્યો હતો પરંતુ એકઝીટ પોલના આવ્યા બાદ ચાર્જ સવારે ૩પ પૈસામાંથી ગબડીને ભાવ સીધો માત્ર ર૭ પૈસા થઇ ગયો છે.

બુકીબજારે ભાજપને પ્રથમથી જ ઓછી બેઠકોની ધારણા રાખતા મોટાભાગના પંટરોએ કોંગ્રેસ જ જીતે છે તેમ માનીને કોંગ્રેસ ઉપર જ દાવ લગાડયા હતા પરંતુ ગઇકાલના એકઝીટ પોલ બાદ ભારે અફડા-તફડી થતા જ ભાજપના ૧૦૯ થી ૧૧૧ બેઠકોની ધારણાના કારણે હવે કાપા-કાપીને સેઇફ થવા માટે જુગારીયાઓએ રીતસરની દોટ મુકવાના પણ વાવડ મળે છે.

બુકીઓના મતે હવે ભાજપ ઉપર દાવ લગાવવાનો રાફડો ફાટતા હજુ ભાવ ઘટે તેવી સંભાવના પણ છે.

(12:12 pm IST)