Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જાન્‍યુઆરીથી મોંઘી થશે મારૂતિની કાર્સ

મારૂતિ સુઝુકીએ કરી ભાવવધારાની જાહેરાત

મુંબઇ તા. ૧૫ : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈન્‍ડિયા લિમિટેડ (MSIL) જાન્‍યુઆરી ૨૦૧૮થી પોતાના તમામ મોડલ્‍સની કિંમતોમાં ૨ ટકાનો વધારો કરવાનું વિચારી રહી છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારીમાં આનુ કારણ વધતો જતો ઈનપુટ કોસ્‍ટ હોવાનું જણાવવામાં આવ્‍યું છે.

કંપની હેચબેક ઓલ્‍ટો ૮૦૦થી લઈને યૂટિલિટી વ્‍હીકલ એસ-ક્રોસ સુધી વેચે છે જેની કિંમત ૨.૪૫ લાખ રૂપિયાથી લઈને ૧૧.૨૯ લાખ રૂપિયા (તમામ એક્‍સ-શોરૂમ, દિલ્‍હી) સુધીની છે. કંપનીના એક પ્રવક્‍તાએ જણાવ્‍યું કે, ‘અત્‍યાર સુધી સાધારણ ઉતાર-ચઢાવને અમે જાતે એડજસ્‍ટ કરી રહ્યાં છીએ પણ કોમોડિટીના ભાવ ધીમે-ધીમે વધવાને કારણે અમારે જાન્‍યુઆરીથી આનો બોજ ગ્રાહકો પર નાખવો પડશે. આગામી મહિનાથી તમામ મોડલ્‍સના ભાવમાં આશરે ૨ ટકા સુધીનો વધારો થઈ જશે. જુદા-જુદા મોડલ્‍સ અને તેના સ્‍પેસિફિકેશન અનુસાર કિંમતમાં વધારો થશે.'

ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સે પણ ઈનપુટ કોસ્‍ટ વધવાનો કારણે આગામી મહિનાથી પોતાની પેસેન્‍જર ગાડીઓની કિંમતમાં ૨૫૦૦૦ સુધી વધારવાની દ્યોષણા કરી હતી. મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા (M&M) પર જાન્‍યુઆરીથી પોતાની ગાડીઓમાં ૧.૫થી ૨ ટકાનો વધારો કરશે. ટોયોટા કિર્લોસ્‍કર મોટર (TKM)એ ૩ ટકા, હોન્‍ડા કાર્સ ઈન્‍ડિયાએ ૧થી ૧૨ ટકા અને સ્‍કોડા ઓટો ઈન્‍ડિયાએ ૨-૩ ટકા કિંમત વધારવાની ઘોષણા કરી છે.

(5:08 pm IST)