Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

નીચું મતદાન ઊંચા ખ્વાબઃ BJP ૨૦૧૨ની સંખ્યાને પાર કરી શકશે?

પાટીદાર આંદોલનથી 'ભાજપને પતાવી દો'નો જોશ, નોટબંધી, જીએસટી, ખેડૂતોને પરેશાનીનો ઉકળાટ ઉત્તર ગુજરાતમાં ભાજપને હંફાવશે : પહેલા ચરણ પછી બીજા ચરણમાં સરેરાશ મતદાન ઘટતાં અનેક ગણિત ફરી જશે

નવી દિલ્હી તા. ૧૦ : ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ માટે બન્ને ચરણના મતદાન સમાપ્ત થઇ ગયા છે અને હવે જનતા જનાર્દનનો ગુપ્ત આદેશ સોમવારે બપોરે સ્પષ્ટ થવાનો છે. પરંતુ ૨૨ વર્ષથી શાસનમાં રહેવાથી એન્ટિ ઇન્કમ્બન્સી, પાટીદાર આંદોલનથી નારાજ સમાજ, જીએસટીથી બેહાલ વેપારીઓ, નાના ઉઘોગકારો, નોટબંધી ઉપરાંત પોષણક્ષણ ભાવ ન મળવાથી દુઃખી ખેડૂતોની નારાજગીનો વિશાળકાય હાઉ વચ્ચે ભાજપ તેના ૧૫૦ પ્લસના લક્ષ્યાંકને તો ઠીક પણ ૨૦૧૨ની ૧૧૫ બેઠકની સંખ્યાને પાર કરી શકશે? એ પ્રશ્ન ખુદ ભાજપના કાર્યકરોથી માંડીને સામાન્ય જનતાના મનમાં ઊઠી રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ મતદાન ૨૦૧૨ની સરખામણીમાં ૪.૪૦ ટકા ઘટ્યું છે જયારે બીજા ચરણમાં ઉત્ત્।ર અને મધ્ય ગુજરાતના મતદારોએ પણ એવો જ નિરસ પ્રતિસાદ આપતાં ૨૦૧૨ના ૭૨.૬૨ ટકા મતદાન સામે આ વખતે સરેરાશ ૬૮.૭૦ ટકા મતદાન થયું છે. પહેલા ચરણમાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો હતી જયારે બીજામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન થયું હતું. ૨૦૧૨ની દ્રષ્ટીએ જોઇએ તો ભાજપને ૧૧૫ બેઠકો મળી હતી, જેમાં ઉત્ત્।ર ગુજરાતમાં (અમદાવાદ શહેર અને જિલ્લા સિવાય) ભાજપને ૧૫ અને કોંગ્રેસને ૧૭ બેઠક મળી હતી. મધ્ય ગુજરાત(અમદાવાદ શહેર-જિલ્લા સાથે) ૩૭ બેઠક ભાજપ અને ૨૨ બેઠક કોંગ્રેસને મળી હતી. જયારે અન્યને ૨ બેઠક મળી હતી. સૌરાષ્ટ્રમાં ભાજપને ૩૫, કોંગ્રેસને ૧૬ તથા અન્યને ૩ બેઠક મળી હતી. દક્ષિણ ગુજરાતમાંથી ભાજપને ૨૮, ૬ કોંગ્રેસને અને એક અન્યને પ્રાપ્ત થઇ હતી. આમ, પહેલા ચરણમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ભાજપને ૮૯માંથી ૬૩ બેઠક, કોંગ્રેસને ૨૨ તેમજ અન્યને ૪ બેઠક મળી હતી. ઉત્ત્।ર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકમાંથી ભાજપને ૫૨, કોંગ્રેસને ૩૯ તેમજ અન્યને ૨ બેઠક મળી હતી.

ભાજપ સામે ૨૨ વર્ષના શાસનનો એન્ટિ ઇન્કમ્બન્સીનો પહાડ જેવો પડકાર હોવા છતાં ૧૫૦ પ્લસ બેઠકો જીતવાનો લક્ષ્ય રાખી ઓબીસી કાર્ડ સાથે ચૂંટણી જંગમાં ઉતર્યો હતો. ભાજપના રણનીતિકારોએ આ લક્ષ્યાંકને પાર પાડવા માટે પેઇજ પ્રમુખ, બૂથ સમિતિ અને શકિતકેન્દ્રોના નેટવર્કમાં ૭ લાખ કાર્યકરોને જોતર્યા હતા. બાહ્ય રીતે અનેક પડકારો છતાં ભાજપે પોતાના કમિટેડ મતદારોને કોઇપણ રીતે પોતાની તરફ ખેંચવા સાથે ઓબીસીની ૧૪૬ વિવિધ જાતિ, સમાજોને સક્રિય કરી ભાજપ સાથે જોડવાની કામગીરી આદરી હતી. અલબત્ત, ભાજપે ઓબીસી કાર્ડ સાથે આ વખતે ૫૩ પાટીદાર ઉમેદવારોને તેમજ ૫૯ જેટલા ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી હતી. પરંતુ ઓબીસીમાં પ્રભાવિ ઠાકોર, કોળી, ચૌધરી સમાજની ૪૦થી વધારે બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપ તેની રણનીતિ મુજબ કેટલી બેઠકો મેળવી શકશે એ સોમવારે સ્પષ્ટ થશે. પણ સૌથી વધારે ફટકો ઉત્ત્।ર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લી સાથે સાબરકાંઠા જિલ્લામાં પડી શકે છે. ભાજપને શંકરસિંહ વાઘેલા ફેકટરની ગયા વખતે અસર નડી ગઇ હતી તો આ વખતે ઠાકોર સેના અને પાટીદારોની નારાજગી નડી જશે તો તમામ ગણિતો ઉંધા પડી જશે. બીજી તરફ ભાજપ માટે આશ્વાસન લેવા જેવી બાબત અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાઇને ઉત્ત્।ર ગુજરાતની પાંચથી દસ બેઠકો પર એમણે જે કહ્યા એવા ઉમેદવારોને કોંગ્રેસે ટિકિટ આપવાથી ઊભી થયેલી સ્થાનિક નારાજગી છે. આ નારાજગી ભાજપને કેટલો ફાયદો કરાવશે એ તો સોમવારે સ્પષ્ટ થશે, પણ ભાજપ માટે ગાંધીનગર, પાટણ, બનાસકાંઠાની પરંપરાગત બેઠકો પણ ગુમાવવી પડે એવું ચિત્ર આજે ઉપસ્યું છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના યુવાનો તેમજ ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના બહુધા મતદારોએ ભાજપ વિરોધી મત આપ્યા છે એ જગજાહેર છે. એ સંજોગોમાં પાટીદારોને આવરી લેતી સરેરાશ ૪૦ જેટલી બેઠકોમાંથી ભાજપ કેવી રીતે વિજયી બનશે એના ગણિત અત્યારથી ગણાય છે. કડવા પાટીદાર મતદારોને સાચવી લેવા માટે ઉત્ત્।ર ગુજરાતમાં ભાજપે મોટાભાગના પાટીદાર ધારાસભ્યોને યથાવત રાખ્યા છે. જયારે સૌરાષ્ટ્રમાં યુવા લેઉવા પાટીદારો હાર્દિક સાથે જ રહેવાના હોવાથી ભાજપે સૌરાષ્ટ્રના આંદોલન પ્રભાવિત વિસ્તારોમાં ૨૦ ચહેરા નવા આપીને સ્થિતિ અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપની રણનીતિ એવી હતી કે, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને નુકસાન થશે તો ઉત્ત્।ર અને મધ્ય ગુજરાતમાંથી તેને સરભર કરી શકાશે, પણ મતદાનની ટકાવારી અને વિરોધ પક્ષ કોંગ્રેસ તરફી મતદાન ભાજપના ગણિત ઉંધા પાડી શકે છે. ભાજપ માટે સૌથી વધારે ચિંતાનો વિષય મધ્ય અને દક્ષિણ ગુજરાત છે. મધ્ય ગુજરાત પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાય છે. તો આદિવાસી વિસ્તારોમાં પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભાજપને ધારી સફળતા મળી હોય એવું કોઇ છાતી ઠોકીને કહી શકતું નથી. આ સંજોગોમાં ભાજપ ૧૧૦થી ૧૩૦ની વચ્ચે સમેટાઇ જાય એમ જણાય છે. ભાજપ માટે આ તમામ પડકારો અને અવરોધો વચ્ચે ગુજરાતમાં ગઢ જળવાઇ રહે એ હવે આશ્વાસન લેવા જેવી વાત છે. બન્ને ચરણના મતદાન પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના ઉત્ત્।રમાં કહ્યું કે, આ ચૂંટણીમાં અમારો ગઢ પણ રહેશે અને સિંહ પણ રહેશે. અમે અમારા ૧૫૦ પ્લસના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છીએ. અન્ય એક પ્રશ્નના ઉત્ત્।રમાં તેમણે કહ્યું કે, અમારો વિશ્વાસ એટલા માટે છે કે અમે પેઇજ પ્રમુખ સુધીના અમારા નેટવર્ક પર ભરોસો છે. પેઇજ પ્રમુખ સ્તરેથી કાર્યકરોએ ભાજપના કમિટેડ મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા છે એની સાથોસાથ નવા મતદારોને ભાજપ માટે મતદાન કરવા માટે સમજાવવામાં સફળ થયા છીએ એટલે અમને વિશ્વાસ છે.

(10:48 am IST)