Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ગુજરાતમાં કોંગ્રેસ હતી ત્યાંને ત્યાં: પક્ષની અનેક ભુલોથી ભાજપને જલ્સો પડી ગયો

કોંગ્રેસ પાસે કોઇ મોટો ચહેરો નથીઃ મણીશંકર અય્યરે મુખ્ય ભુમિકા ભજવીઃ જીએસટીના મુદ્દાનું સુરસુરીયુ : કોંગ્રેસે ચૂંટણીને જ્ઞાતિવાદ તરફ લઇ જવાનો ભરપુર પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન રહ્યો

નવી દિલ્હી તા.૧પ : ગુજરાત અને હિમાચલને લઇને જેટલા એકઝીટ પોલ થયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે બંને રાજયોમાં ભાજપ સત્તા ઉપર આવી રહ્યુ છે. ૧૮મી જયારે પરિણામો આવશે ત્યારે થોડી બેઠકોમાં ફેરફાર જરૂર થશે પરંતુ ભાજપ જીતે છે એ સ્પષ્ટ છે. જો કે બંને રાજયોમાં ભાજપના વિજયના કારણો અલગ-અલગ છે. એકઝીટ પોલ એ પણ જણાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ જયાં ઉભી હતી ત્યાં જ ઉભી રહી ગઇ છે. જયારે હિમાચલમાં પરિવર્તન ત્યાંના ચૂંટણી ઇતિહાસને દોહરાવી રહેલ છે.

ગુજરાતની ચૂંટણી ઉપર સૌની નજર હતી. ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં પીએમ મોદીએ સટાસટી બોલાવી ધુઆધાર પ્રચાર કર્યો અને કોંગ્રેસની કેટલીક ભુલોએ માહોલને બદલી નાખ્યો. જેમાં મણીશંકર અય્યરની ટિપ્પણી, કથિત ગુપ્ત બેઠક, મણીશંકરે પાકિસ્તાનમાં આપેલા નિવેદને પણ મુખ્ય ભુમિકા ભજવી, ભાજપે આ મુદાને જોરશોરથી ચગાવ્યો તો કોંગ્રેસે એ સવાલોના જવાબ આપવામાં અટવાઇ પડી, સાચુ હોય કે ખોટુ પરંતુ ભાજપ એવો સંદેશ આપવામાં સફળ રહ્યુ કે, કોંગ્રેસ મોદીને હરાવવા માટે રાજકીય ઉપાયો ઉપરાંત બીજુ પણ કઇક કરી રહી છે.

પટેલોની નારાજગી અને રર વર્ષની સ્વાભાવિક સત્તા વિરોધી લહેર છતાં ભાજપના વિજયની પાછળ બીજા પણ કેટલાક કારણો છે. આ ચૂંટણી રાહુલ વિરૂધ્ધ પીએમની બની ગઇ હતી, ચૂંટણીને જ્ઞાતિવાદના સમીકરણો તરફ લઇ જવાના કોંગ્રેસે પ્રયાસો કર્યા પરંતુ સફળ ન રહ્યા, એક એવુ પણ કારણ રહ્યુ કે, કોંગ્રેસ પાસે કોઇ મોટો ચહેરો નથી. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે સારો વિકલ્પ કે ચહેરો રજુ ન કર્યો.બંને રાજયોમાં ભાજપના વિજયથી તેનો આત્મવિશ્વાસ વધશે. નોટબંધીની પરીક્ષા યુપીમાં થઇ ચુકી છે પરંતુ ગુજરાતમાં વિજયથી જીએસટીનો ટેસ્ટ પણ પાસ માની લેવાશે તેથી આવતા દિવસોમાં કેટલાક બીજા રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે લાભની સ્થિતિ બની શકશે. જયારે કોંગ્રેસ માટે પરાજયમાંથી બહાર આવવાનો રસ્તો શોધવાનો પડકાર યથાવત રહેશે.

(10:44 am IST)