Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સંસદનુ શિયાળુ સત્ર શરૂ : પ્રથમ દિને મોદીની ટકોર મુદ્દે હોબાળો

મોદી મનમોહનસિંહ પાસેથી માફી માંગે તેવી કોંગ્રેસની માંગ થઇ : રાજ્યસામાંથી શરદ યાદવની હકાલપટ્ટી કેમ કરવામાં આવી તે મામલામાં સ્પષ્ટતા કરવા ગુલામ નબીની માંગણી : લોકસભાની કાર્યવાહી મોકુફ કરાઇ

નવી દિલ્હી,તા. ૧૫ : સંસદનુ શિયાળુ સત્ર આજે શરૂ થયુ હતુ.ધારણા પ્રમાણે જ પ્રથમ દિવસથી ધાંધલ ધમાલ થઇ હતી. પ્રથમ દિવસે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અને શરદ યાદવની સંસદના સભ્ય તરીકે કરવામાં આવેલી હકાલપટ્ટીના મુદ્દે હોબાળો થયો હતો. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ નરેન્દ્ર મોદી પાસેથી માફીની માંગ કરી હતી. ધાંધલ ધમાલ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહ વારંવાર મોકુફ કરવામાં આવી હતી. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે મનમોહન સિંહ પર મોદીની ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ એક ગંભીર મામલા પર નિયમ ૨૬૭ હેઠળ સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આ ગંભીર મામલો છે. આના કારણે સરકાર જ નહીં વિપક્ષ પણ ચિંતાતુર છે. તેમણે કહ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ સેના પ્રમુખ તેમજ કેટલાક રાજકીય નેતાઓની સામે ગંભીર મુકવામાં આવ્યા છે. આઝાદ જ્યારે નિવેદન કરી રહ્યા હતા ત્યારે સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમાર અને સત્તા પક્ષના કેટલાક સભ્યો ઉભા થઇને વિરોધ કરવાના મુડમાં દેખાયા હતા. સત્રની શરૂઆત પહેલા મોદીએ સહકાર માટે લોકોને અપીલ કરી હતી.  હવે આગામી દિવસોમાં શાસક ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ વચ્ચે જુદા જુદા મુદ્દા પર જોરદાર આક્ષેપબાજીનો દોર ચાલે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. શિયાળુ સત્ર તોફાની બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. આજે પ્રથમ  દિવસે જ એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાનુકુળ રીતે સત્ર ચલાવવા માટેની અપીલ કરી હતી. શિયાળુ સત્ર આજે શરૂ થયા બાદ હવે પાંચમી જાન્યુઆરી સુધી ચાલનાર છે. આજે શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભાની કાર્યવાહી શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ મોકુફ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પ્રથમ દિવસથી લડાયક મુડમાં દેખાઇ હતી. સંસદના સભ્ય તરીકે શરદ યાદવની હકાલપટ્ટીનો મુદ્દો કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી અઝાદે ઉઠાવ્યો હતો. કોંગ્રેસે પાકિસ્તાનના અધિકારીઓ સાથે બેઠક યોજીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર આક્ષેપ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માફીની માંગ કરી હતી. માંફીની માંગ કરીને રાજ્યસભામાં નોટીસ જારી કરવામાં આવી હતી. સરકાર સત્ર દરમિયાન ૨૫ પેન્ડિંગ બિલ  રજૂ કરનાર છે. સાથે સાથે ૧૪ નવા બિલ પણ રજૂ કરવાની યોજના ધરાવે છે. ત્રિપલ તલાક અને અન્ય મુદ્દા પર જોરદાર ચર્ચા ચાલે તેવી શક્યતા છે. લોકસભામાં સત્રની શરૂઆત પહેલા હોદ્દા સંભાળી લેનાર નવા સભ્યોને વડાપ્રધાને તમામનો પરિચય કરાવ્યો હતો. વિપક્ષ તરફથી સરકારને નોટબંધી, જીએસટી, રાફેલ ડીલ, ખેડૂતો સાથે જોડાયેલા પ્રશ્નોને લઇને ભીંસમાં લેવાના પ્રયાસ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર પણ સત્ર ઉપર દેખાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું છે કે, સંસદ ચર્ચાના સર્વોચ્ચ સ્થાન તરીકે છે અને સરકાર નિયમો હેઠળ કોઇપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મોદી સરકાર ગરીબલક્ષી સરકાર છે. વિપક્ષે પોતાની વાત રજૂ કરવી જોઇએ અને નિયમો હેઠળ ચર્ચા કરવી જોઇએ. મેઘવાલનું કહેવું છે કે, રાજકીય પક્ષોને અપીલ કરવામાં આવી છે કે, મહત્વના વિધેયક પર ઉપયોગી અને રચનાત્મક ચર્ચામાં સહકાર આપે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી યોગ્યરીતે ચાલે તેના પ્રયાસ થઇ રહ્યા છે. સંસદ સત્રમાં વિલંબને લઇને મોદી સરકાર ઉપર પ્રહારો કોંગ્રેસ દ્વારા પહેલાથી જ કરવામાં આવી ચુક્યા છે. પાંચમી જાન્યુઆરી સુધી સત્ર ચાલનાર છે જેમાં જુદા જુદા મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. જીએસટી અને નોટબંધીને લઇને મોદી સરકાર જોરદાર પ્રહાર કરવા તૈયાર છે. કોંગ્રેસે શરૂઆતથી જ જીએસટી અને નોટબંધીને લઇને ભાજપ ઉપર આક્ષેપો કરતી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવીને જોરદાર વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી નોટબંધીને લઇને પણ મોદી સરકાર ઉપર પ્રહારો કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં સત્ર દરમિયાન એનડીએ સરકારને કોંગ્રેસ તરફથી વિરોધનો સામનો કરવો પડી શકે છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ, જીડીપી દર, અન્ય આર્થિક મુદ્દાઓ ઉપર પણ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કોંગ્રેસ તરફથી કરવામાં આવી શકે છે.સત્રમાં હવે દિવસો આક્રમક બની રહે તેવા સંકેત મળી રહ્યા છે.

ક્યા મુદ્દા સત્રમાં છવાશે

*       જીએસટીને લઇને વેપારીઓને પડેલી તકલીફ

*       નોટબંધીને લઇને સામાન્ય લોકોને તકલીફ

*       અર્થવ્યવસ્થાની હાલની સ્થિતી

*       રોકટેગતિથી વધી રહેલી મોંઘવારી

*       દેશમાં આંતરિક સુરક્ષા સ્થિતી

*       અતિ મહત્વપૂર્ણ બિલ

*       ત્રિપલ તલાકને લઇને મુદ્દો

*       રાફેલ ડિલને લઇને દુવિધા

*       ખેડુતો સાથે જોડાયેલા પ્રશ્નો

(7:52 pm IST)