Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

એકઝીટ પોલનું વિશ્‍લેષણઃ ગુજરાતમાં બ્રાન્‍ડ મોદી યથાવતઃ ગુજરાતી પીએમના સમ્‍માનની ભાવના વિરોધીઓ ઉપર ભારે પડી

જીએસટીનો મુદો અસરકારક નથી રહ્યોઃ વેપારીઓએ કોંગ્રેસને બદલે ભાજપને પ્રાથમિકતા આપી : યુવા ત્રિપુટી કોંગ્રેસ માટે ફાયદેમંદ ન રહીઃ ભાજપને ઓબીસી અને સામાન્‍ય વર્ગના મતદારોએ પસંદ કર્યુ

નવી દિલ્‍હી તા.૧પ : એકઝીટ પોલના સર્વેક્ષણોમાં ભાજપ ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સત્તાના સિંહાસને બિરાજમાન થશે એવુ બહાર આવી રહ્યુ છે. જયારે ચૂંટણી પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, કોંગ્રેસ ભાજપને આકરી ટક્કર આપશે. તેથી જો સર્વેક્ષણોનું વિશ્‍લેષણ કરીએ તો સ્‍પષ્‍ટ થાય છે કે ગુજરાતી વડાપ્રધાનના સમ્‍માનની ભાવના સત્તા વિરોધી બાબતો ઉપર ભારે પડી છે.

વિશ્‍લેષકોના જણાવ્‍યા પ્રમાણે કોંગ્રેસે હાર્દિક, અલ્‍પેશ અને જીજ્ઞેશ ગઠબંધન કર્યુ તેનાથી થોડા જ વિસ્‍તારોમાં લાભ થયો. જો આ ગઠબંધન ચૂંટણીના થોડા મહિના પહેલા થયુ હોત તો કદાચ કોંગ્રેસને વધુ લાભ થાત.

આ જ રીતે જીએસટીના મુદાએ બહુ અસર પાડી નથી અને વેપારીઓએ કોંગ્રેસને બદલે ભાજપને પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસને ૧૮ થી ૩પ વર્ષના યુવાનોનો ટેકો જરૂર મળ્‍યો છે અને તેનુ કારણ રોજગારીના મુદે ભાજપની નબળી કામગીરી કહી શકાય. જો કે ઉજ્‍વલા યોજના અને એલઇડી બલ્‍બના મફત વિતરણની યોજનાથી ગરીબોને ફાયદો થયો છે તેથી આ વર્ગમાં ભાજપની લોકપ્રિયતા વધી છે.

સૌરાષ્‍ટ્રના મોટાભાગના વિસ્‍તારોમાં સમગ્ર વિકાસને બદલે પાણી મોટો મુદો હતો અને તેનો ફાયદો ભાજપને મળ્‍યો તેવુ જણાય રહ્યુ છે. જાતિવાદના સમીકરણોથી જોઇએ તો મુસ્‍લિમ તથા અનુ.જાતિના મતદારો કોંગ્રેસ સાથે રહ્યા અને આ વખતે પણ તેમાં કોઇ ફેરફાર ન થયો પરંતુ અન્‍ય પછાત વર્ગ અને સામાન્‍ય વર્ગના મતદારોએ ભાજપને પ્રાથમિકતા આપી.

સર્વેક્ષણોનું વિશ્‍લેષણ દર્શાવે છે કે બ્રાન્‍ડ મોદી હજુ પણ યથાવત છે અને ગુજરાતી વડાપ્રધાનના સમ્‍માનની ભાવના લોકોએ જાળવી રાખી છે જે વિપક્ષ ઉપર ભારે પડી છે.

(10:00 am IST)