Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

અમેરિકા લોકતાંત્રિક યાત્રાનું સન્માન કરવા માટે ભારતના લોકો સાથે સામેલ થાય છે, જે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સ્થાયી સંદેશ દ્વારા નિર્દેશિત છેઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડ

મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં બંને લોકતંત્ર નિયમ આધારિત વ્યવસ્થાની રક્ષા કરવા માટે એક સાથે ઊભા રહેશેઃ જો બાઈડ

નવી દિલ્‍હીઃ ભારત આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે સ્વતંત્રતા દિવસને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે. આ અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક નિવેદન બહાર પાડ્યું છે. બાઈડેને કહ્યું કે અમેરિકા લોકતાંત્રિક યાત્રાનું સન્માન કરવા માટે ભારતના લોકો સાથે સામેલ થાય છે, જે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સ્થાયી સંદેશ દ્વારા નિર્દેશિત છે. 

જો બાઈડેને કહ્યું કે આ વર્ષે અમે અમારા મહાન લોકતંત્રો વચ્ચે રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા અપરિહાર્ય ભાગીદાર છે અને અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી કાયદાના શાસન અને માનવ સ્વતંત્રતા તથા ગરિમાને પ્રોત્સાહન આપવા માટે અમારી સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે. અમારા લોકો વચ્ચે ગાઢ બંધનોથી અમારી ભાગીદારી વધુ મજબૂત થઈ છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં જીવંત ભારતીય અમેરિકી સમુદાયે અમને એક વધુ નવીન, સમાવેશી અને મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે. 

જો બાઈડેને વધુમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં બંને લોકતંત્ર નિયમ આધારિત વ્યવસ્થાની રક્ષા કરવા માટે એક સાથે ઊભા રહેશે. આ સાથે જ અમે અમારા લોકો માટે વધુ શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા, એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો પેસિફિકને આગળ વધારવા અને સાથે મળીને દુનિયાભરમાં અમારી સામે આવનારા પડકારોનું સમાધાન કરીએ છીએ. 

અત્રે જણાવવાનું કે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા છે અને દેશભરમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ અવસરે હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર દેશ ઝંડો અને તિરંગાની રોશનીથી તરબતોળ છે. દેશભક્તિના નારા અને પ્રભાતફેરીઓથી આઝાદીના સેનાનીઓને યાદ કરવામાં આવી રહ્યા છે. 

(12:27 pm IST)