Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સીઝનમાં ભારતમાં સામાન્ય જનતાના રંગમાં ભંગ ઉભો કરવા માટે આતંકીય પ્રવૃતિઓને અંજામ આપવા માટે 150 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં લૉન્ચપેડ પર છટપટી રહ્યાં છેઃ ઈન્ટિલિજન્સ દ્વારા આપવામાં ચેતવણી

POKના ટ્રેનિંગ સેન્ટરમાં 700 આતંકવાદીઓ : સેનાએ આપ્યું એલર્ટ

નવી દિલ્‍હીઃ  ભારતમાં તહેવારી સીઝનોની શરૂઆત થઈ રહી છે અને તેવામાં ફરી આ રંગમાં ભંગ નાખવા માટે પાકિસ્તાનમાં અનેક ષડયંત્રો ઘડાઈ રહ્યાં છે. આ અંગેની એક ચેતવણી ઈન્ટિલિજન્સ દ્વારા આપવામાં આવી છે. ભારતીય સેનાએ શનિવારે જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા (LOC) પર યુદ્ધ વિરામ છતા કાશ્મીરના તાલીમ શિબિરોમાં 500-700 આતંકવાદીઓ હાલ ટ્રેનિંગ લઈ રહ્યાં છે અને લગભગ 150 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા માટે લૉન્ચપેડ પર રાહ જોઈ રહ્યા છે.

કાશ્મીરમાં સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે 500થી 700 આતંકવાદીઓ LOCના છેડે મનશેરા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ત્રણ તાલીમ શિબિરોમાં હાજર છે. સેનાના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે "લૉન્ચપેડ પર ખીણની સામેથી લગભગ 150 આતંકીઓ ઘૂસણખોરી કરવા તૈયાર છે." વધુમાં જણાવતા સેનાના અધિકારીએ કહ્યું કે, 'મે મહિનાના અંત સુધીમાં કાશ્મીરમાં કોઈ ઘૂસણખોરી સફળ થઈ નથી. આ પછી આતંકવાદીઓ ભારતીય સરહદમાં પ્રવેશવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. ઘૂસણખોરીને અંજામ આપવા માટે હવે મોટાભાગે પીર પંજાલની દક્ષિણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આ સાથે એવા અહેવાલો પણ છે કે, કેટલાક લોકો નેપાળ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે.'

અધિકારીએ જણાવ્યું કે ઘૂસણખોરીની સંભાવના હજુ પણ છે. તેમ છતાં એલઓસી પર ફેન્સીંગ, સુરક્ષા દળોની તીરછી નજર અને સર્વેલન્સ સાધનોએ ઘૂસણખોરીની ઘટનાઓમાં ઘટાડો કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા પર લેવામાં કડક પગલાં અને તકેદારીના કારણે આતંકવાદીઓ ઘૂસણખોરી માટે વૈકલ્પિક માર્ગો શોધી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોને ઉશ્કેરવાનો કે ભડકાવવાનો હોય છે અથવા તો લોકોમાં તેમનો ભય પેદા કરવાનો હોય છે. આ સિવાય આગામી તહેવારોની સીઝનમાં ભારતમાં સામાન્ય જનતાના રંગમાં ભંગ ઉભો કરવા માટે આતંકીય પ્રવૃતિઓને અંજામ આપવા માટે તેઓ છટપટી રહ્યાં છે.

(12:20 pm IST)