Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

છૂટાછેડા મુદ્દે સમાધાન કેસમાં કર્ણાટકની ફેમિલી કોર્ટમાં એક યુવકે નિર્દયતાથી તેની પત્નીનું ગળું કાપીને મોત ઘાટ ઉતારી

- પત્નીનું ગળું કાપીને યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ઉભેલા લોકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું

બેંગ્લોર: કર્ણાટકની ફેમિલી કોર્ટમાં એક યુવકે નિર્દયતાથી તેની પત્નીનું ગળું કાપી નાખ્યું. તેમણે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને તેઓ એક કાઉન્સેલિંગ સેશન માટે કોર્ટમાં ગયા હતા. પત્નીનું ગળું કાપીને યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ઉભેલા લોકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

જોકે, આ ઘટનાના થોડા સમય પહેલા કાઉન્સેલિંગ સેશનમાં આ બંનેએ પોતાના મતભેદોને ભૂલાવી સાત વર્ષના લગ્ન જીવનને બચાવવા માટે ફરી એકવાર સાથે રહેવા માટે સંમતિ દર્શાવી હતી.

શિવકુમાર નામના યુવક તેની પત્ની ચૈત્રા સાથે કાઉન્સેલિંગ માટે હસન જિલ્લાના હોલેનરસીપુરા ફેમિલી કોર્ટ પહોંચ્યો હતો. તેણે તેની પત્ની પર તે સમયે હુમલો કર્યો, જ્યારે તે એક કલાકની કાઉન્સેલિંગ બાદ કોર્ટથી બહાર નીકળી રહ્યો હતો. તેણે તેની પત્નીનો વોશરૂમ સુધી પીછો કર્યો અને કુહાડી મારી તેનું ગળું કાપી નાખ્યું. જેના કારણે ચૈત્રાનું ઘણું લોહી વહી ગયું. ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે તે ભાગવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો.

ચૈત્રાને એક હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું કેમ કે, તેના ગળામાં ઉંડો ઘા પડવાના કારણે તેનું ઘણું લોહી વહી ગયું હતું.

શિવકુમાર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારી આ વાતની તપાસ કરી રહ્યા છે કે તે વ્યક્તિ કોર્ટ પરિસરની અંદર હથિયાર લાવવામાં સફળ કેવી રીતે રહ્યો.

વરિષ્ઠ પોલીસ અધિકારી હરિરામ શંકરે જણાવ્યું કે, ઘટના કોર્ટ પરિસરમાં બની હતી. અમે તેને અમારી કસ્ટડીમાં લઈ લીધો છે. અમે તેની પાસેથી હથિયાર જપ્ત કરી લીધું છે, જેનો ઉપયોગ તેણે ઘટનામાં કર્યો હતો. અમે તપાસ કરીશું કે કાઉન્સેલિંગ સેશન બાદ શું થયું હતું અને કોર્ટની અંદર તેને હથિયાર કેવી રીતે મળ્યું. શું આ એક પૂર્વ આયોજીત હત્યા હતી, તેની પણ તપાસ કરવામાં આવશે.

(12:51 pm IST)