Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

લગભગ તમામ સરકારી બેંકોનુ થશે ખાનગીકરણ નાણા સચિવ

બેન્કીંગ એ એવા ક્ષેત્રમાનો એક છે જ્યાં ઓછામાં ઓછી સરકારી બેંકો જ હશે

નવી દિલ્હી તા. ૧૫ : બેંક પ્રાઇવેટાઇઝેશનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા સચિવ ટી.વી. સોમનાથને જણાવ્યું કે સરકાર લગભગ બધી PSU બેંકનું ખાનગીકરણ કરશે. સોમનાથને ૧૩ જુલાઈના રોજ ઇન્ડિયા પોલિસી ફોરમ ૨૦૨૧માં જણાવ્યું કે સરકાર સરકાર તેની જાહેર કરેલી નીતિ મુજબ આ ક્ષેત્રમાં ફકત નજીવી હાજરી જાળવશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ તેમના અંગત મંતવ્યો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચ, અર્થવ્યવસ્થા આધારિત ટેંક દ્વારા આયોજિત કરાયેલા એક કાર્યક્રમમાં સોમનાથને આ અંગે વાત કરી. સોમનાથને આ વાત એવા સમયે કહી છે જયારે દેશની સૌથી મોટી સરકારી વિમા કંપની તેના IPO લાવવાની તૈયારીમાં છે.

સોમનાથને વધુમાં જણાવ્યું કે અમે જાહેરાત કરી છે કે મોટાભાગની સરકારી બેંક ખાનગી કરી દેવામાં આવશે. એમ કહેવું કે આખરે ખાનગીકરણ અને ખરેખર તેમનું ખાનગીકરણ કરવું એ બે જુદી જુદી બાબતો છે, પરંતુ અમે તેમનું ખાનગીકરણ કરવામાં સંપૂર્ણ રીતે સક્રિય છીએ. બેન્કિંગ એ એવા ક્ષેત્રમાંનો એક છે જયાં ઓછામાં ઓછી સરકારી બેન્કો જ હશે. આ જાહેર કરેલી નીતિ છે.

સોમનાથને જણાવ્યું કે જરૂરી વસ્તુઓ માટે પૂરતી નાણાકીય સહાય પૂરી પાડવા જરૂરી સુધારા સાથે સરકારી સબસિડીમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે આપણી કેટલીક સબસિડી વ્યવસ્થામાં સુધારો કરવો પડશે, જેમ કે કૃષિ સબસિડી, ખાદ્ય સબસિડી, ખાતર સબસિડી. તેમાંથી કેટલીક એકબીજા સાથે જોડાયેલી છે. સોમનાથને જણાવ્યું કે બીજું આપણે શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રકચર પર જાહેર ખર્ચની ક્ષમતામાં સુધારો કરવાની જરૂર છે. નાણાં સચિવે એમ પણ જણાવ્યું કે GST ફાઇલ કરવામાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે ઉકેલી લેવામાં આવી છે. તેની સાથે જે જણાવ્યું કે રેવન્યૂ કલેકશનમાં વધારાના સુધારાની પણ યોજના બનાવવામાં આવી છે.

(4:10 pm IST)