Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ બાદ હવે એચઆરએમાં વધારાનો લાભ મળશે

નિયમ મુજબ ડીએ પછી એચઆરએ વધે છેઃ વધારા બાદ નવા દરો ર૭ ટકા (એકસ સીટી), ૧૮ ટકા (વાય સીટી) અને ૯ ટકા (ઝેડ સીટી) થઇ જશે

નવી દિલ્હી તા.૧પ : કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ ફાયદો મળવા જઇ રહયો છે. ર૮ ટકાના દરથી મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતની જાહેરાત બાદ હવે તેઓને હવે હાઉસરેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએમાં પણ વધારો થઇ શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે  જ એચઆરએ વધારો થવાનો નિયમ છે.

હાલના સમયમાં એકસ શ્રેણી વાળા શહેરોમાં જે કર્મચારી રહેતો હોય તેને મુળ પગારના ર૪ ટકા એચઆરએ મળે છે. વાય શ્રેણીમાં રહેનારાને ૧૬ ટકા અને ઝેડ શ્રેણીમાં રહેતા સ્ટાફને ૮ ટકા એચઆરએ આપવામાં આવે છે. ડીએના વધારા બાદ  આ ત્રણેય શ્રેણીમાં રહેતા સ્ટાફનું એચઆરએ વધી શકે છે. વધારા બાદ એચઆરએના નવા દરો અનુક્રમે ર૭ ટકા, ૧૮ ટકા, અને ૯ ટકા થઇ જશે.

નાણામંત્રાલયનો નિયમ છે કે મોંઘવારી ભથ્થામાં વધારા બાદ એચઆરએમાં વધારો થાય છે. હવે જયારે મોંઘવારી ભથ્થાનો દર રપ ટકાની ઉપર ચાલ્યો જશે તો હાઉસરેન્ટ એલાઉન્સ ૯ ટકા, ૧૮ ટકા અને ર૭ ટકા થશે. જો મોંઘવારી ભથ્થાનો દર પ૦ ટકાની ઉપર ચાલ્યો જાય તો એચઆરએમાં ૧૦, ર૦ અને ૩૦ ટકાના હિસાબથી વધારો થશે. કેબીનેટે તાજેતરમાં ર૮ ટકાના દરથી ડીએ વધારાની જાહેરાત કરી છે.

ડીએના વધારાનો દર રપ ટકા થી ઉપર છે પરંતુ પ૦ ટકાથી નીચે છે તેથી અહીં સ્ટાફને એચઆરએ રપ ટકા વાળા નિયમ હેઠળ મળશે. એટલે કે એકસ શ્રેણીવાળા શહેરોમાં રહેતા કર્મચારીને ર૭ ટકા, વાયમાં રહેતા સ્ટાફને ૧૮ ટકા અને ઝેડમાં રહેતા ૯ ટકાના દરથી એચઆરએ મળશે. દિલ્હી એકસ કલાસ શહેરોની યાદીમાં છેે એ અત્રે નોંધનીય છે.

(3:57 pm IST)