Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

શું કોરોનાકાળમાં કાર્યપાલિકાના કામકાજના કાર્યક્ષેત્રમાં અદાલત દખલગીરી કરી શકે?

સુપ્રિમ કોર્ટ કરશે વિચાર

નવી દિલ્‍હી, તા.૧૫: સુપ્રીમ કોર્ટે બુધવારે કહયું કે તે એ બાબત પર વિચાર કરશે કે શું કોરોના જેવી આપાત સ્‍થિતીમાં અદાલતો પ્રશાસનના અધિકારક્ષેત્રમાં દખલ કરી શકે. જો જવાબ હા હોય તો કેટલી હદ સુધી? સુપ્રીમ કોર્ટે કોરોના મેનેજમેન્‍ટ કેસમાં અલ્‍હાબાદ હાઇકોર્ટના દરેક જીલ્લામાં નિશ્‍ચીત સંખ્‍યામાં એમ્‍બ્‍યુલન્‍સ, આઇસીયુ બેડ, રસીકરણ વગેરે બાબતે અપાયેલ આદેશ અને રાજયના નાના શહેરો અને ગામડાઓમાં આરોગ્‍ય વ્‍યવસ્‍થા ભગવાન ભરોસે ગણાવતી ટીપ્‍પણી સામે અસંમતિ દર્શાવતા કહયું કે એ જોવું પડશે કે આવા કેસોમાં કોર્ટ કેટલી હદ સુધી દખલ કરી શકે છે.

કોર્ટે કહયું કે કોઇ પાસે ૧૦૦ સૂચનો હોય તો શું તે કોર્ટનો આદેશ બની શકે? આપણે યાદ રાખવું પડશે કે આપણે બંધારણીય અદાલત છીએ. જસ્‍ટીસ વિનિત સરન અને દિનેશ મહેશ્‍વરીની બેંચે અલ્‍હાબાદ હાઇકોર્ટના આદેશનો ઉલ્લેખ કરતા કહયું કે કેટલી એમ્‍બ્‍યુલન્‍સ હશે, કેટલા ઓકસીજન બેડ હોય તે અંગે તેઓ કોઇ ટીપ્‍પણી નથી કરવા માંગતા, અમે એમ નથી કહેતા કે કોઇ પોતાના સૂચનો ના આપી શકે પણ એવું કેવી રીતે કહી શકાય કે સ્‍થાનિક કંપની રસીની ફોર્મ્‍યુલા લઇને તેનું ઉત્‍પાદન કરે, આવો અવ્‍યવહારૂ છે અને તેનુ પાલન શકય નથી. પાછલી સુનાવણીમાં જ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્‍ટે આપી દીધો હતો.

બુધવારે બેંચે કહયું કે જો હાઇકોર્ટનો આદેશ વ્‍યવહારીક હોત તો પણ પ્રશ્‍ન એ છે કે જે ક્ષેત્ર પ્રશાસન માટે નક્કી કરાયું છે તેમાં સાવચેતીથી ચાલવું જોઇએ અને ધ્‍યાન રાખવું જોઇએ કે શું કરવું અને કોણ કરવું. હાઇકોર્ટના આદેશ પર તેમણે કહયું કે સારો ઇરાદો હોય તો પણ બીજા કોઇના કાર્યક્ષેત્ર અધિકારમાં ઘુસવાની પરવાનગી નથી મળતી.

(10:34 am IST)