Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વિવાદ સે વિશ્વાસ સ્કીમ... કરદાતા ૩૧ ઓગસ્ટ સુધી નાણાં ચૂકવી શકશે

ઓગસ્ટ બાદ ઓકટોબર સુધીમાં ભર્યા તો વધારાના ૧૦ ટકા વસૂલાશે : અત્યાર સુધી સાતમી વખત નાણા ભરવાની મુદતમાં વધારો કરાયો

નવી દિલ્હી,તા. ૧૫: ઇન્કમટેકસના વિવાદિત કેસનો ઝડપથી નિકાલ થાય અને કરદાતાઓને પણ રાહત થાય તે માટે લાગુ કરવામાં આવેલી વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ લેનાચ કરદાતા આગામી ૩૧ ઓગસ્ટ સુધીમાં નાણાં ભરપાઈ કરવાની છૂટ આપતો નિર્ણય કરાયો છે. જેથી અત્યાર સુધીમાં સાતમી વખત આ સ્કીમનો લાભ લેનારાઓ પાસેથી નાણાં ભરપાઇ કરવાની મુદતમાં વધારો થયો છે.

૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ પહેલા ઇન્કમટેકસ વિભાગમાં ચાલતા તમામ પ્રકારના કેસ જેવા કે અપીલ, ટ્રિબ્યૂનલ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ ઉપરાંત અલગ અલગ જયુડિશિયલ ફોરમ પરના પડતર કેસનો નિકાલ કરવા માટે ઇન્કમટેકસ દ્વારા વિવાદ સે વિશ્વાસ સ્કીમ ૧૩ માર્ચ, ૨૦૨૦ના રોજ લાવવામાં આવી હતી. આ સ્કીમનો લાભ લેનારાઓએ ટેકસના ૧૦૦ ટકા અને દંડના રપ ટકા રકમ ભરપાઇ કરવાની રહેતી હતી. આ સ્કીમનો લાભ લેવા માટે ર ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં નાણાં ભરપાઇ કરવાની મુદત જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ૩૦ એપ્રિલ ત્યારબાદ ૩૦જૂન અને હવે ૩૧ ઓગસ્ટ સુધીમાં વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ લેનારાઓને નાણાં જમા કરાવવા માટેની છૂટ આપવામાં આવી છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે કોરોનાના સમયમાં સ્કીમનો લાભ લેનારાઓ પાસે પૂરતા નાણાં ભરપાઇ કરી શકે તેમ નથી. આ માટે વખતોવખત રજુઆત પણ કરવામાં આવ્યા બાદ ૩૧ ઓગસ્ટ લંબાવવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે જે કરદાતા ૩૧ ઓગસ્ટ પછી અને ૩૧ ઓકટોબર સુધીમાં નાણાં ભરપાઇ કરે તો વધારાના ૧૦ ટકા ભરવા પડશે.

  • અત્યાર સુધીની આ સૌથી સફળ યોજના

આ અંગે સીએ વિરેશ રૂદલાલે જણાવ્યું હતુ કે અત્યાર સુધીની સૌથી વધુ સફળ યોજના વિવાદ સે વિશ્વાસ સાબિત થઇ રહી છે. કારણ કે ૯ લાખ કરોડની ટેકસના માંગણા સામે ૫.૨૫ લાખ કેસ વિવાદિત હતા. તે પૈકી ૧.૨૫ લાખ કેસમાં એક લાખ કરોડની આવક સરકારને થવાની છે. જયારે ૧૯૯૮માં આવેલી કર વિવાદ યોજનામાં ૭૩૯ કરોડની આવક થઇ હતી. વર્ષ ર૦૧૬ની ડાયરેકટ ટેકસ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનમાં ૬૩૨ કરોડની આવક સરકારને થઇ હતી.

(10:15 am IST)