Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભારત- ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ ઉપર છવાયા સંકટના વાદળો

ટીમ ઈન્ડિયાના બે સિનિયર ખેલાડીને પોઝીટીવઃ એક હજુ આઈસોલેશનમાં

આ ક્રિકેટરોએ ટીમ મેનેજમેન્ટને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતીઃ ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવ્યા નથી

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૪  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે.

કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તે ક્રિકેટરોને આઈસોલેટ કરી દેવાયા છે. જો કે સંક્રમિત ખેલાડીઓની સંખ્યા હજુ વધી શકે છે. આ  ક્રિકેટર્સે હાલમાં જ ટીમ મેનેજમેન્ટને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત જણાયા. હાલ ખેલાડી ઈંગ્લેન્ડમા કવોરન્ટાઈન કરી દેવાયા છે.

મળતી માહિતી મુજબ આ ક્રિકેટર્સના સંપર્કમાં આવેલા અન્ય ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ ૩ દિવસ માટે આઈસોલેશનમાં મોકલી દેવાયા હતા. જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. હાલ સંક્રમિત ખેલાડીઓ ડહરમમાં ટીમના કેમ્પનો  ભાગ બનશે નહીં.

ટીમ ઈન્ડિયા ત્રણ અઠવાડિયાના  બ્રેક પર છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના અલગ અલગ શહેરોમાં ઘૂમી રહ્યા હતા. આ દરમિયાન આ ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. ભારતીય મેનેજમેન્ટે હાલ આ ખેલાડીઓના નામનો ખુલાસો કર્યો નથી.

રિપોર્ટ્સ મુજબ જે ખેલાડીઓ સંક્રમિત થયા છે તેઓ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ઘૂમતા નજરે ચડ્યા હતા. વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાંત શર્મા ઉપરાંત અનેક ખેલાડીઓ બહાર ઘૂમતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી.

(10:13 am IST)